તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
સુરેન્દ્રનગરના લીંબડી નજીક એસીબીની મોટી સફળ ટ્રેપ : ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ સંજયભાઈ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયા ૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રેતી ખનન માટે રૂા. ૬.૩૦ લાખની માંગણી બાદ ૫ લાખમાં સોદો નક્કી થયો : PI પી.કે. પટેલના નેતૃત્વમાં પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવી બંને આરોપીઓને એસીબી મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના સુપરવિઝનમાં દબોચી લેવાયા

લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉંટડી ગામમાં રેતી ખનન અને પરિવહન કરવા દેવાના બદલામાં લાંચ માંગવાના પ્રકરણમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ મોટી કાર્યવાહી કરીને સફળ ટ્રેપ ગોઠવી છે. ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના ડ્રાઇવિંગનો ધંધો કરતા પતિ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયા (ઉંમર વર્ષ ૩૫, રહે. રામાબાપા પેટ્રોલ પંપ પાસે, લીંબડી-ધંધૂકા ત્રણ રસ્તા, મૂળ રહે. ઉંટડી) અને ઉંટડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા અભ્યાસ કરતા સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયા (ઉંમર વર્ષ ૨૭, રહે. ઉંટડી) ને રૂપિયા ૫,૦૦,૦૦૦/- ની લાંચ સ્વીકારતા અને ગુનામાં મદદગારી કરતા સ્થળ પરથી રોકડા નાણાં સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટનાની ટૂંક વિગત મુજબ, આ કામના જાગૃત નાગરિક અને ફરિયાદીએ ઉંટડી ગામે નક્કી કરેલી જગ્યાએથી રેતી કાઢવાની મંજૂરી અને સરળતા માટે આરોપી સરપંચપતિ સંજયભાઈ કમેજળીયાનો સંપર્ક કર્યો હતો. સંજયભાઈએ ફરિયાદી પાસે એક ટ્રક દીઠ રૂપિયા ૧,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જેની સામે ફરિયાદીએ એક ટ્રકના રૂપિયા ૧૦૦/- ગામમાં ધર્માદા પેટે આપવા તૈયારી દર્શાવી હતી. તેમ છતાં, આરોપી સંજયભાઈ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાએ એક ટ્રક દીઠ રૂપિયા ૧,૦૦૦/- ની ગેરકાયદેસર ઉઘરાણી ચાલુ રાખી હતી. ત્યારબાદ આરોપી સંજયભાઈએ ઉચક રૂપિયા ૬,૩૦,૦૦૦/- ની લાંચ માંગી હતી, પરંતુ ફરિયાદી સાથેની રકઝક બાદ આખરે રૂપિયા ૫,૦૦,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ લીંબડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને આરોપી સંજયભાઈ કમેજળીયાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૫,૦૦,૦૦૦/- સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા.
આરોપી સંજયભાઈ ઝડપાઈ ગયા બાદ એસીબીની હાજરીમાં જ તેમણે પોતાના મોબાઈલ ફોનમાંથી બીજા આરોપી અને ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાના મોબાઈલ પર ફોન કરીને લાંચના નાણાં મળી ગયાનું કન્ફર્મેશન મેળવ્યું હતું. થોડી જ વારમાં આરોપી સુનીલભાઈ કટુડીયા પણ ઘટનાસ્થળે આવી પહોંચતાં એસીબીએ તેમની પણ અટકાયત કરી હતી. ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણૂક આચરી તેમજ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. એસીબીની ટીમે સ્થળ પરથી લાંચના સ્વીકારેલા સમગ્ર રૂપિયા ૫,૦૦,૦૦૦/- કબ્જે કર્યા છે.
આ સફળ ટ્રેપની સમગ્ર કામગીરી સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ તથા તેમના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને એસીબી રાજકોટના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એસીબીની આ કાર્યવાહીથી ભ્રષ્ટ તત્વોમાં ભારે ફાળ પડી છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
