<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં ACB ની સફળ ટ્રેપ : આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવા ૭,૫૦૦ રૂપિયાની લાંચ લેતા પોસ્ટલ આસિસ્ટન્ટ ઝડપાયો

૯,૦૦૦ રૂપિયાની લાંચ માંગનાર વર્ગ-૩ નો કર્મચારી ધાર્મિક ત્રિવેદી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો : એસીબીના પી.આઈ. બી.કે. ગમાર અને ટીમે પાડેલી રેડ

પોરબંદર: પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા વર્ગ-૩ ના પોસ્ટલ આસિસ્ટન્ટને રૂ. ૭,૫૦૦ ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે રંગેહાથ ઝડપી પાડી સફળ ટ્રેપ કરી છે.

મળતી વિગતો અનુસાર, આ કામના જાગૃત ફરિયાદીએ પોતાના ગવર્મેન્ટ ઓળખકાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરાવવા માટે અરજી કરી હતી. આ કામગીરી કરવાના બદલામાં પોરબંદરના છાંયા ખાતે આવેલી ખોડિયાર સોસાયટીમાં રહેતા અને હેડ પોસ્ટ ઓફિસમાં વર્ગ-૩ ના પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ૪૦ વર્ષીય આરોપી ધાર્મિક અશોકભાઈ ત્રિવેદીએ રૂ. ૯,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.

જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે પોરબંદર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. મળેલી ફરિયાદના આધારે એસીબીની ટીમે પોરબંદરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

તા. ૧૪/૦૯/૨૦૨૬ ના રોજ આયોજિત ટ્રેપ દરમિયાન આરોપી ધાર્મિક ત્રિવેદી ફરિયાદી પાસેથી રૂ. ૭,૫૦૦ ની લાંચની રકમ સ્થળ પર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને પકડી પાડ્યો હતો. એસીબી દ્વારા આરોપી પાસેથી લાંચના સ્વીકારેલા પૂરેપૂરા રૂ. ૭,૫૦૦ રિકવર કરવામાં આવ્યા છે.

આ સફળ ટ્રેપ કામગીરી પોરબંદર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ગમાર તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:11 PM IST)