તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ભુજમાં ACBનો સપાટોઃ ૫૦ હજારની લાંચ લેતા ખાણ-ખનીજ વિભાગના IT એક્ઝિક્યુટિવ સહિત બે ઝડપાયા
લીઝ એકાઉન્ટ ઓનલાઈન અનલોક કરવાના બદલામાં માંગણીઃ મુન્દ્રા રોડના એરોપ્લેન સર્કલ નજીક ગોઠવાયેલા છટકામાં વચેટિયો રંગેહાથ ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯: ભુજમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરતા ખાણ-ખનીજ વિભાગમાં ફરજ બજાવતા IT એક્ઝિક્યુટિવ સહિત બે વ્યક્તિને રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ભુજ સ્થિત ખાણ-ખનીજ વિભાગની કચેરીમાં IT એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા જીનીશ નિતિનભાઈ આચાર્ય અને તેમના મદદગાર તરીકે કામ કરતા આશિષ કાળુભાઈ આચવડીયાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીનું ખાણ-ખનીજ વિભાગનું લીઝ એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું. આ એકાઉન્ટ ઓનલાઈન અનલોક કરી આપવાના કામ પેટે IT એક્ઝિક્યુટિવ જીનીશ આચાર્ય દ્વારા ફરિયાદી પાસે રૂ.૫૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ કચ્છ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ACBની યોજના મુજબ ભુજના મુન્દ્રા રોડ પર આવેલા એરોપ્લેન સર્કલ પાસે જોષી દહીંવડા સેન્ટર નજીક ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન ITએક્ઝિક્યુટિવ જીનીશ આચાર્યના કહેવા મુજબ વચેટિયા આશિષ કાળુભાઈ આચવડીયાએ ફરિયાદી પાસેથી રૂ.૫૦,૦૦૦ની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ત્યાં હાજર ACBની ટીમે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી લાંચની રૂ.૫૦,૦૦૦ની રકમ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ એસીબી પીઆઈ બી.એન. મોઢવાડિયા અને ટીમ એ એકબીજાની મદદગારીથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
