<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ચોટીલામાં PGVCLના હેલ્‍પરને લાંચ લેતાં ACBએ દબોચ્‍યો

વીજમીટર પુનઃસ્‍થાપિત કરવા રૂ.૭૦ હજારની માંગણી કરેલ છટકામાં રૂ.૬૦ હજાર સ્‍વીકારતાં રંગેહાથ ઝડપાયા

(જીજ્ઞેશ શાહ દ્વારા)  ચોટીલા તા.૨૬: સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલામાં અનેક વિભાગમાં નાણાકીય વહીવટ વગર લોકોના સામાન્‍ય કામ પણ નહીં થતા હોવાની બૂરરેણ વચ્‍ચે થોડા સમય  પૂર્વે એક પોલીસ સ્‍ટેશન ગ્રાઉન્‍ડમાં એક પોલીસ કર્મી બિન્‍દાસ લાંચની રકમ લેતા ઝડપાયેલ ત્‍યારે ફરી ગઈ કાલે પીજીવીસીએલ કર્મચારી ને લાંચ લેતા ભ્રષ્ટાચાર વિરોધી બ્‍યુરો (ACB)એ લાંચિયા તત્ત્વો સામે કાર્યવાહી કરતાં લાંચિયા તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે.

ચોટીલા PGVCLના ગ્રામ્‍ય સબ ડિવિઝન-૨માં ફરજ બજાવતા હેલ્‍પર બીપીનભાઈ ભરતભાઈ પારેજિયા ને ઈં ૬૦ હજારની લાંચ સ્‍વીકારતાં ઝડપી પાડ્‍યા હતા. વીજમીટર ફરી લગાવવાની કામગીરીના બદલામાં લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી આ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની વાડીમાંથી PGVCLનું મીટર કચેરીમાં લઈ જવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ મીટર પુનઃસ્‍થાપિત કરાવવા માટે ફરિયાદીએ રજૂઆત કરતાં વીજચોરી થઈ હોવાનું જણાવી દંડ ભરવો પડશે તેમ કહેવામાં આવ્‍યું હતું. આ મામલે દંડની કાર્યવાહી ટાળવા અને મીટર ફરી લગાવી આપવા માટે હેલ્‍પર બીપીનભાઈ પારેજિયાએ કથિત રીતે ઈં ૭૦ હજારની લાંચની માંગણી કરેલ હતી

લાંચની માંગણીથી કંટાળેલા ફરિયાદીએ ACBને સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. છટકા દરમિયાન આરોપી રૂ.૬૦ હજારની લાંચ સ્‍વીકારતાં ઝડપાઈ ગયા હતા. ACBની ટીમે લાંચની રકમ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોટીલા પીજીવીસીએલ કર્મીને લાંચ લેતા ઝડપી પાડવાની સફળ ટ્રેપ રાજકોટ ગ્રામ્‍ય ACBના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ.એન. રાણા અને ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીથી ભ્રષ્ટાચાર આચરનારાઓમાં ફફડાટ ફેલાયેલ છે.

(એસીબીના છટકામાં લાંચ લેતા પકડાયેલ પીજીવીસીએલ કર્મચારીની તસવીરઃ હેમલ શાહ)

(10:41 AM IST)