તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
ગોંડલ યાર્ડમાં મરચા-સોયાબીનની ભરપૂર આવકઃ વાહનોની લાંબી કતારો
રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટર, છકડા અને ટ્રકોની લાઈનો લાગીઃ વહેલી સવારથી ખેડૂતોનો મોટો ધસારો

ગોંડલ, તા.૨૯: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ છે. નવા લાલ મરચા અને સોયાબીનની ભરપૂર આવક થતાં યાર્ડ ખેડૂતોથી ઉભરાયું છે. ગઈકાલ રાતથી રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને સવારે માર્કેટિંગ યાર્ડ ની બજારો ખુલતા જ વિવિધ જણસી વેચવા માટે ખેડૂતો ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે વજન કાપના વિવાદને લઈને મરચાંની હરાજી ઠપ્પ થયા બાદ આજે સમાધાન થતાં ખેડૂતો મોટા પ્રમાણમાં યાર્ડ તરફ ઉમટી પડયા છે. આજે વહેલી સવારથી જ મરચાંની ૭૦૦ થી વધુ ભારી અને સોયાબીનની પણ ૧૫૦૦ થી વધુ ગુણીઓની આવક નોંધાઈ છે. દિવાળી પહેલાની આ સૌથી મોટી આવક છે.
ખેડૂતોના ટ્રેક્ટર, છકડા, ટ્રકો અને પીકઅપ વાન મોટી સંખ્યામાં આવતા ગોંડલ યાર્ડના મુખ્ય ગેટથી લઈને રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે સુધી ૨ થી ૩ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે વધારાનો સ્ટાફ મુકવો પડ્યો હતો.
મરચાંના સારા ભાવ (રૂ. ૧૧,૦૦૧ સુધી) અને સોયાબીનના પણ સારા ભાવો બોલાતા હોવાથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આવક વધુ હોવાથી હરાજી પૂરી થતા મોડી સાંજ થવાની શકયતા છે.
યાર્ડ પ્રશાસને ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ યાર્ડની સૂચનાઓનું પાલન કરે અને વાહનો વ્યવસ્થિત પાર્ક કરે જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
