<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ખંભાળિયા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો જોરદાર પ્રારંભ : વોર્ડ નંબર 5માં ભાજપના ગઢમાં ગાબડું પાડી આખી પેનલનો ભવ્ય વિજય

વોર્ડ નં-4 માં અબુ કાસમ ભોકલની જીત સાથે 'આપ' એ કુલ 5 બેઠકો કબજે કરી : ભાજપે ટિકિટ ન આપતા નારાજ મુસ્લિમ ઉમેદવારોએ ઝાડુ ફેરવી ભાજપને કારમી પછડાટ આપી

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ (આપ) શાનદાર એન્ટ્રી કરીને રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. પાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું છે અને એકસાથે 5 બેઠકો પર વિજય પતાકા લહેરાવી ભાજપના સમીકરણો બગાડી નાખ્યા છે. ખાસ કરીને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભાજપને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વોર્ડ નંબર 5માં 'આપ'નો સપાટો: આખી પેનલ વિજેતા:
ખંભાળિયા પાલિકાના વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત પ્રદર્શન કરતા ચારે-ચાર બેઠકો પર કબ્જો જમાવ્યો છે. આ વિસ્તાર મુસ્લિમોનો ગઢ ગણાય છે, જ્યાં 'આપ'ની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. આ ભવ્ય જીતને કારણે સત્તાધારી પક્ષ ભાજપને કારમી પછડાટ મળી છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 4 માંથી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અબુ કાસમ ભોકલ વિજેતા જાહેર થતા પક્ષની કુલ બેઠકોની સંખ્યા 5 પર પહોંચી છે.

ભાજપની રણનીતિ ઉંધી પડી - પક્ષ પલટો નડ્યો:
આ વિજય પાછળનું મુખ્ય કારણ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીમાં કરાયેલી ભૂલ માનવામાં આવી રહી છે. ગત ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ભાજપના સિમ્બોલ પર બે મુસ્લિમ ઉમેદવારો વિજેતા બન્યા હતા. જોકે, આ વખતે ભાજપે આ ઉમેદવારોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. ટિકિટ ન મળતા નારાજ થયેલા આ બંને ઉમેદવારોએ આમ આદમી પાર્ટીનો છેડો પકડ્યો હતો અને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરિણામે, વોર્ડ નંબર 4 અને 5 ના મતદારોએ આ ઉમેદવારો પર પસંદગી ઉતારી તેમને વિજયી બનાવ્યા છે, જે ભાજપ માટે મોટો રાજકીય ફટકો સાબિત થયો છે.

આ પરિણામ બાદ ખંભાળિયાના રાજકારણમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

(11:47 AM IST)