<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ભાયાવદરના મોજીરા ગામના યુવાને ફાયનાન્‍સ કંપનીના કર્મચારીના ત્રાસથી આપઘાત કરી લીધો

મરવુ હોય તો મરી જા...ફોન કરી હપ્તા ભરવા ત્રાસ આપનાર ફાયનાન્‍સ કંપનીના કર્મચારી સામે મૃતકના પિતાએ ફરીયાદ કરી : ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટી

 

રાજકોટ, તા., રપઃ ભાયાવદરના મોજીરા ગામના યુવાને ફાયનાન્‍સ કંપનીના કર્મચારીના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ પુત્રને આપઘાત માટે મજબુર કરનાર ફાયનાન્‍સ કંપનીના કર્મચારી સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

મળતી વિગતો મુજબ ભાયાવદરના મોજીરા ગામે રહેતા અને ભંગાર વેચવાનું કામ કરતા અર્જુનભાઇ વિનોદભાઇ રાજગર (ઉ.વ.ર૯) એ મોજીરા ગામે ભાંખ રોડ વાદી સમાજની સમાધી (સ્‍મશાન) પાસે ઝાડ ઉપર ચુંદડીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ૩ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃતકે ફાયનાન્‍સ કંપનીના કર્મચારીના ત્રાસથી આપઘાત કર્યો હોવાની સ્‍યુસાઇડ નોટ લખી હતી.

દરમિયાન આ બનાવ અંગે મૃતકના પિતા વિનોદ વજુભાઇ રાજગર (ઉ.વ.પપ) ધંધો મજુરી રહે. મોજીરા ગામ એ ફાઇનાન્‍સ કંપની બીઝનેશ પાર્ક ઓપો. રોયલ ઓર્ચીડ પાર્ક કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદના  મો.નં. ૭૮૬૧૮ ૮પ૧૮૮ વાળા કર્મચારી તથા તપાસમાં ખુલે તે સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના દીકરાએ ફાઇનાન્‍સ કંપનીમાંથી રૂા. ૩,૦૦,૦૦૦ ની લોન લીધેલ હોઇ તેનો દર મહિને રૂા. ૮ર૮૬ હપ્તો ભરતો હોઇ અને છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેઓની આર્થીક સ્‍થિતિ સારી ના હોઇ જેથી થેઓ હપ્તો ભરી ન શકતા આ ફાયનાન્‍સ કંપનીના મો. નં. ૭૮૬૧૮ ૮પ૧૮૮ વાળા કર્મચારી ફરીયાદીના દીકરાને અવાર નવાર ફોન કરી કેસ કરવાની ધમકી આપી તેમજ મરવુ હોય તો મરી જા તેમ જણાવી તેમજ ફરીયાદીને  પણ ફોન કરી લોનના હપ્તા ભરી આપવા જણાવી સતત માનસીક ત્રાસ આપી ફરીયાદીના દીકરાને મરવા માટે મજબુર કરતા ફરીયાદીનો દીકરો માનસીક ત્રાસથી કંટાળી ફાયનાન્‍સ કંપનીના કર્મચારી વિરૂધ્‍ધ સુસાઇડ નોટ લખી પોતે પોતાને હાથે લીમડાના ઝાડ ઉપર ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ભાયાવદર પોલીસે ફાયનાન્‍સ કંપનીના કર્મચારી સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:07 PM IST)