તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
ધારીના ગોવિંદપુર ગામની એસબીઆઈ બેંકમાં સોનું છોડાવવા બાબતે યુવકનો ખુની આતંક: હાથમાં કુહાડી લઈ મચાવ્યો ભારે ઉત્પાત
ઓસ્ટ્રેલિયા રહેતી બહેનની સહી વગર દાગીના આપવાનો આગ્રહ રાખી બેંકમાં તોડફોડ: મેનેજર પર હુમલો કરી રૂ. ૨.૩૦ લાખનું નુકસાન પહોંચાડ્યું

ધારી : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં એક અસામાજિક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક પિતાની ગોલ્ડ લોન ચૂકવી દીધા બાદ ગિરવે મૂકેલા સોનાના દાગીના પરત મેળવવા માટે બેંકના નિયમ મુજબ વારસદારોની સહીઓ મેળવવાની કાયદેસરની પ્રક્રિયા બાબતે ઉશ્કેરાયેલા સિદ્ધાર્થ શશીકાંતભાઈ સતાસીયા નામના યુવકે હાથમાં ધારદાર કુહાડી લઈને બેંકમાં ઘૂસીને ભારે તોડફોડ કરી હતી અને બેંક અધિકારી પર હુમલો કરીને આશરે રૂ. ૨,૩૦,૦૦૦ જેટલું માતબર નુકસાન પહોંચાડ્યું હતું.
ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, આરોપી યુવકના પિતા શશીકાંતભાઈનું અવસાન થયું હોવાથી તેમની ગોવિંદપુર સ્થિત એસબીઆઈ બેંકમાં ચાલી રહેલી ગોલ્ડ લોનની રકમ આરોપી પુત્ર દ્વારા બેંકમાં ભરી દેવામાં આવી હતી. લોન પૂર્ણ થયા બાદ ગિરવે મૂકેલા સોનાના દાગીના પરત લેવા માટે બેંકના પ્રક્રિયાગત નિયમ મુજબ તમામ કાયદેસરના વારસદારોની સહીઓ હોવી આવશ્યક છે. આરોપીની બહેન હાલ ઓસ્ટ્રેલિયા રહેતી હોવા છતાં, તે બહેનની સહી કરાવ્યા વગર જ સોનાના દાગીના તાત્કાલિક પોતાની તરફેણમાં છોડાવી લેવા માટે યુવક બેંક કર્મચારીઓ પર દબાણ કરવા લાગ્યો હતો.
બેંકના બ્રાન્ચ મેનેજર કુણાલભાઈ નાથાલાલ રાઠોડ અને અન્ય અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા અને નિયમોની મર્યાદા સમજાવતા સ્પષ્ટ ના પાડી હતી કે વારસદારોની સહી વગર સોનું આપી શકાય નહીં. આ જવાબથી ઉશ્કેરાઈને યુવક પોતાની અદાવતમાં ઘરે ગયો હતો અને ત્યાંથી ધારદાર કુહાડી લઈને સીધો બેંકની અંદર ધસી આવ્યો હતો. તેણે બેંક અધિકારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને અપશબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપી હતી.
આરોપીએ હાથમાં રહેલી કુહાડીના આડેધડ ઘા મારીને બેંક મેનેજરની ચેમ્બરનો દરવાજો, બંને સાઈડના કાચ અને વોશરૂમનો પેસેજનો કાચ તોડી નાખ્યો હતો. આ હુમલા દરમિયાન આરોપી કુહાડી લઈને મેનેજર પર તૂટી પડવા જતાં, જીવ બચાવવા માટે ભાગતી વેળાએ કાચ વાગવાથી બેંક મેનેજરના જમણા હાથ પર ગંભીર ઈજા થઈ હતી અને ચીરો પડી ગયો હતો. હિંસક બનેલા યુવકે બેંકના બે કોમ્પ્યુટર અને મુખ્ય કાચનો દરવાજો પણ તોડીને કુલ રૂ. ૨,૩૦,૦૦૦ નું આર્થિક નુકસાન કર્યું હતું.
આ ગંભીર ઘટના અંગે સાવરકુંડલામાં રહેતા અને બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા કુણાલભાઈ રાઠોડે ધારી પોલીસ સ્ટેશનમાં આરોપી સિદ્ધાર્થ શશીકાંતભાઈ સતાસીયા વિરુદ્ધ સત્તાવાર રીતે સઘન ફરિયાદ નોંધાવી છે. બેંક જેવી સુરક્ષિત જાહેર સંસ્થામાં હથિયાર સાથે ઘૂસીને આચરવામાં આવેલા આ આતંક અને હુમલાના બનાવને કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ તેમજ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
ફરિયાદ નોંધાયા બાદ ધારી પોલીસે કાયદાકીય જોગવાઈઓ અને ગંભીર ગુનાહિત કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બેંકની સુરક્ષા અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં પોલીસ દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે તેમજ ફરાર કે આરોપી યુવક સામે કાયદાનો સકંજો કસીને સખત સજા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
