<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ધોરાજી પાસે ઓવરસ્‍પીડમાં બાઇકનો કાવો માર્યો અને એકઝાટકે યુવાનની જીંદગી છીનવાઇ

ભેંસાણના માલીડા ગામના કોૈટુંબીક મામા-ભાણેજને જામજોધપુરના સીદસર ગામેથી બાઇકમાં પરત ફરતી વખતે બાઇક સ્‍લીપ થઇ ગયુઃ મામાનું મોતઃ ધોરાજી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા.૮: ધોરાજી નજીક પોરબંદર હાઇવે પર ભાદર નદીના પૂલ પર પુરપાટ ઝડપે જતુ બાઇક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યુ હતું. જયારે તેના કોૈટુંબીક ભાણેજને ઇજા થઇ હતી.

ભેંસાણના માલીડા ગામે રહેતા હિતેષભાઇ મધુભાઇ વાઘેલા (ઉ.વ.૧૮)એ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ કે ગઇ તા.૩ના તે તેના કોૈટુંબીક મામા રાહુલભાઇ ઘુઘાભાઇ કેરવાડીયા સાથે તેના ગામ માલીડાથી જામજોધપુરના સીદસર ગામે બાઇક લઇને ગયા હતા જયાંથી તા.૪ના પરત આવવા નિકળ્‍યા હતા, બાઇક રાહુલભાઇ ચલાવતા હતા, તે પુરપાટ ઝડપે કાવા મારી ચલાવતા હતા. આથી તેણે સ્‍પીડમાં બાઇક ન ચલાવવા અને કાવા નહી મારવાનું તેને કહયુ હતું. તે પોરબંદર નેશનલ હાઇવે પર ધોરાજી પાસે આવેલ ભાદર નદીના પૂલ પાસે પહોંચતા પુરપાટ ઝડપે રાહુલભાઇએ કાવો મારતા બેલેન્‍સ ગુમાવ્‍યુ હતું. જેના કારણે બાઇક પૂલ પર ડિવાઇડર પર ચડી પલ્‍ટી મારી ગયુ હતું.

આ અકસ્‍માતમાં બંને ફંગોળાઇને રોડ પર પટકાતા ઇજા થઇ હતી. કોઇ રાહદારીએ ૧૦૮ને જાણ કરતા બન્નેને ઉપલેટા હોસ્‍પિટલે ખસેડાયા હતા. જયાંથી ગંભીર રીતે ઘાયલ રાહુલભાઇ અને તેને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરાયા હતા. જયાં રાહુલભાઇનું સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજ્‍યુ હતું. જયારે તેની સારવાર ચાલુ છે.

ધોરાજી તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. કે.એમ. બોરખતરીયાએ આ મામલે હિતેષ વાઘેલાની ફરીયાદ પરથી મૃતક રાહુલભાઇ કેરવાડીયા (રહે.માલીડા) સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

(11:44 AM IST)