<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

કચ્છના નંદાસર પાસે નર્મદા કેનાલમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

ચાર યુવાનો કેનાલમાં નાહવા પડ્યા હતા; ત્રણનો બચાવ, ફાયર ટીમની ચાર કલાકની શોધખોળ બાદ ૨૫ વર્ષીય યુવાન દિનેશ કોળીની લાશ મળી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : કચ્છના રાપર તાલુકાના નંદાસર ગામ નજીક બુધવારે બપોરે નર્મદા કેનાલમાં નાહવા પડેલા ચાર યુવાનો પૈકી એક યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બોટની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નંદાસર ગામ નજીક ચાર યુવાનો નર્મદા કેનાલમાં નાહવા પડ્યા હતા. દરમિયાન ચારેય પૈકી ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર ટીમે બોટ મારફતે કેનાલમાં સઘન શોધખોળ શરૂ કરી હતી.

લગભગ ચાર કલાકની જહેમત બાદ પાણીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ દિનેશ ભાણા કોળી (ઉંમર આશરે 25 વર્ષ) તરીકે થઈ હતી. બચાવ અને શોધખોળની કામગીરીમાં દાફડા પ્રવીણ, કુલદીપભાઈ, શક્તિસિંહ અને મયુર રામાનંદી સહિતના ફાયર ટીમના જવાનો જોડાયા હતા. ઘટનાને પગલે નંદાસર સહિતના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:28 AM IST)