<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

જામનગરના મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવકની ધરપકડ, ભાઈની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી

નશામાં ઘરે આવી ગાળાગાળી અને મારામારી કરતા આકાશભાઈ ઝાલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 4  : જામનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં દારૂના નશામાં ઘરમાં હંગામો અને મારામારી કરનાર યુવક સામે પોલીસ દ્વારા દારૂબંધી ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોતાના જ સગા ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી છે.

 

મળતી માહિતી મુજબ, મહાવીરનગર શેરી નં. 3 ખાતે રહેતા ભાવેશભાઈ બાબુભાઈ ઝાલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મોટાભાઈ આકાશભાઈ બાબુભાઈ ઝાલા દારૂના નશામાં ઘરે આવ્યા હતા. નશાની હાલતમાં તેઓ ગાળો બોલી તોફાન મચાવતા હતા અને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.

 

પરિસ્થિતિ બગડતા ફરિયાદીએ તાત્કાલિક 112 જનરક્ષક સેવા પર ફોન કર્યો હતો. પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને બંને ભાઈઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશન ખાતે તપાસ દરમિયાન આકાશભાઈ ઝાલા દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમની આંખો લાલચોળ જણાતી હતી અને તેઓ પોતાના શરીરનું સંતુલન જાળવી શકતા નહોતા. પૂછપરછ દરમિયાન તેઓ કોઈપણ પ્રકારની દારૂની પરમિટ રજૂ કરી શક્યા નહોતા.

 

પોલીસે બે પંચોની હાજરીમાં કાર્યવાહી કરી અને આકાશભાઈ ઝાલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ 66(1)(બી) અને 85(1) મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આરોપીની કાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે.

(1:26 PM IST)