<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ગોંડલના આશાપુરા ડેમમાં નાહવા પડેલા 7 વર્ષના બાળકને બચાવવા જતા યુવાન કાકાનું પણ પાણીમાં ડૂબી જવાથી મોત

મૂળ દાહોદ જિલ્લાના કંબોઈ ગામના વતની અને મજૂરી કામ કરતા પરિવારના બે સભ્યોના એકસાથે આકસ્મિક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું: મૃતક રામુના લગ્ન માત્ર 3 મહિના પહેલા જ થયા હતા,

ગોંડલના આશાપુરા ડેમ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડેમમાં નાહવા પડેલા 7 વર્ષના બાળકને બચાવવા જતા 19 વર્ષીય યુવાન કાકાનું પણ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ આકસ્મિક દુર્ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે

   આશાપુરા ગાર્ડન પાસે નવા બની રહેલા સ્પોર્ટ્સ સંકુલમાં, મૂળ દાહોદ જિલ્લાના કંબોઈ ગામના વતની અને મજૂરી કામ કરતા પરિવારના અવિનાશ કટારા (ઉં.વ. 7) અને તેના કાકા રામુ મગનભાઈ લીંબા (ઉં.વ. 19) ડેમ કાંઠે ગયા હતા.

   ડેમ કાંઠે બેસીને નાહતી વખતે 7 વર્ષના અવિનાશનો અકસ્માતે પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. બાળકને બચાવવા માટે કાકા રામુ તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણી વધુ ઊંડું હોવાને કારણે બંને બહાર આવી શક્યા નહોતા અને ડૂબી ગયા હતા.

મૃતક રામુના લગ્ન માત્ર 3 મહિના પહેલા જ થયા હતા, જેથી પરિવારમાં હજુ ખુશીનો માહોલ હતો ત્યાં જ આ વજ્રઘાત સમાન દુર્ઘટના સર્જાઈ હતી. ઘરના બે સભ્યોના એકસાથે આકસ્મિક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું છે.

દુર્ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ઉપ પ્રમુખ મનીષ રૈયાણી, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત અને શોધખોળ બાદ 7 વર્ષીય અવિનાશ અને 19 વર્ષીય રામુના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા

(10:42 PM IST)