<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ભાવનગરના સિહોરના ચોરવડલા ગામે યુવકની હત્યા કરાયેલ હાલતમાં વાડીના ઝુલા પાસેથી લાશ મળી આવતા ચકચાર

અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી ફરાર :ચોરવડલા ઢાંકણકુંડા ગામની વચ્ચે વાડી વિસ્તારમાં હત્યાથી લોકોમાં ભારે ભય અને તણાવનો માહોલ

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે યુવકની હત્યા કરેલી હાલતે વાડીના ઝુલા પાસેથી લાશ મળી આવતા ચકચાર મચી, રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી ફરાર થઇ ગયા હતા. હત્યાની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે લાલજીભાઈ ગલાણી નામના યુવકની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ચોરવડલા ઢાંકણકુંડા ગામની વચ્ચે આવેલી વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને લોકોમાં ભારે ભય અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક માલધારી સમાજનો યુવક હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે માલધારી સમાજના યુવકની હત્યાના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ પોલીસ દ્વારા વ્યક્તિગત અદાવત, જૂની રંજિશ સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને ભારે ગમગીનીનો માહોલ છવાયો હતો. પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓ અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે સોનગઢ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યાનું સાચું કારણ બહાર આવશે.

(8:31 PM IST)