<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

પડધરીના અમરેલીમાં ઓરડીમાં ખેતીવાડીની ડુપ્‍લીકેટ દવા બનાવવાનું કારસ્‍તાન પકડાયુ

કંપનીના કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્‍ય એસઓજીની તપાસમાં ભાંડો ફૂટયો રાજકોટના નિર્ભય સુદાણી સામે પડધરી પોલીસમાં ગુનોઃમિશ્રણ, સ્‍ટીકર, દવાની બોટલ સહિત ૧૦.૧ર લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા. ર૬ :.. પડધરી તાલુકાના અમરેલી ગામનની સીમમાં રેડવુડ ઇન્‍ડસ્‍ટ્રીયલ કારખાનાની ઓરડીમાંથી ખેતીવાડીની દવાઓનું ઉત્‍પાદન કરતી કંપનીની નકલી દવા બનાવવાનું કારસ્‍તાન પકડાયુ છે. પડધરી પોલીસે આ મામલે નકલી દવા બનાવવા બદલ નિર્ભય હરસુખભાઇ સુદાણી (રહે. ત્રીમૂર્તિ ટાવર, માયાણી ચોક, લક્ષ્મીનગર રોડ)ની સામે ગુનો દાખલ કર્યો હતો.

આ મામલે નીતિનભાઇ ભીખાભાઇ પટેલ (ઉ.વ.૪૯ રહે. સાનીધ્‍ય એપાર્ટમેન્‍ટ, રાણીપ, અમદાવાદ)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે, તે ચેકઆઇપી સોલ્‍યુશન પ્રા. લી. (હરીયાણા)નાં સીનીયર ઇન્‍વેસ્‍ટીગેશન ઓફીસર તરીકે પાંચ વર્ષથી કામ કરે છે. તેનું કામ તેની બાયર ક્રોપ સાયન્‍સ લી., યુનાઇટેડ ફોસ્‍ફરસ લી. સીજેન્‍ટા કંપની, ઇન્‍સેકટીસાઇસ ઇન્‍ડીયા લી. અને એફએમસી ઇન્‍ડીયા લીમીટેડ કંપનીમાં બનતી ખેતીવાડીની દવાઓનું દેશમાં કોઇ સ્‍થળે ડુપ્‍લીકેટ કરતુ હોય તો તેની સામે કાર્યવાહી કરવાનું છે. પડધરીના અમરેલીમાં કારખાનાની ઓરડીમાં આ કંપનીના દવાઓ ડુપ્‍લીકેટ બનતી હોવાની માહિતીના આધારે રાજકોટ ગ્રામ્‍ય એસ. ઓ. જી.ના સ્‍ટાફ સાથે ત્‍યાં તપાસ કરતાં ત્‍યાંથી નિર્ભય સુદાણી મળી આવ્‍યો હતો.

તપાસ કરતાં તે કારખાનાની ઓરડીમાં કંપનીની ડુપ્‍લીકેટ દવાઓ હોવાનું જાણવા મળ્‍યુ હતું. પોલીસે ત્‍યાંથી દવાઓનુ મિશ્રણ  રૂા. ૧૦.૧ર લાખ, સ્‍ટીકર, રોલ, ખાલી બોટલો, ઢાંકણા સહિત રૂા. ૧૦.૧ર લાખનો મુદામાલ કબ્‍જે કરી નિર્ભય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઇ છે.

(1:14 PM IST)