તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
જેતપુરમા ૨૮ વર્ષથી બંધ લાયન્સ સ્કૂલની જમીનની હરાજી પહેલા વિવાદનો વંટોળ, નગરપાલિકાએ ૪૦ મકાનધારકોને ફટકારી દબાણ હટાવવાની નોટિસ
લાયન્સ ક્લબની અરજી બાદ તંત્ર સક્રિય, જૂના ટ્રસ્ટીઓએ ઉઠાવ્યા સવાલ - ‘અરજદાર ચેરિટીમાં નોંધાયેલા જ નથી', ૪૫ વર્ષથી વસતા લોકોની છત છીનવાશે? કોના ઈશારે કાર્યવાહી થઈ રહી છે તેની ચર્ચા

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃતા.ર૧, જેતપુરના જૂનાગઢ રોડ પર સાડા નવ વિઘામાં પથરાયેલી અને છેલ્લા ૨૮ વર્ષથી બંધ હાલતમાં પડેલી લાયન્સ સ્કૂલની કિંમતી જમીન હવે જાહેર હરાજી પહેલા વિવાદમાં સપડાઈ છે. લાયન્સ ક્લબ (સોસાયટી) જેતપુર ટ્રસ્ટ દ્વારા જમીનની બાઉન્ડ્રી બહાર ૪૫ વર્ષથી બનેલા મકાનોને સરકારી દબાણ ગણાવી હટાવવા અરજી કરતા નગરપાલિકાએ ૩૦ થી ૪૦ મકાનધારકોને સાત દિવસમાં માલિકીના પુરાવા રજૂ કરવા, નહીંતર દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી છે. નગરપાલિકાની આ ત્વરિત કાર્યવાહીથી શહેરમાં ચર્ચા જાગી છે કે ખાનગી કિંમતી જમીન માટે સરકારી તંત્ર હાથો બન્યું છે કે પછી કોઈ મોટો ખેલ ખેલાઈ રહ્યો છે.
લાયન્સ ક્લબ જેતપુર ટ્રસ્ટ દ્વારા પચાસેક વર્ષ પહેલાં લાયન્સ સ્કૂલ બનાવવામાં આવી હતી. તત્કાલીન સમયે સ્કૂલના ટ્રસ્ટીઓમાં જેતપુરના ધારાસભ્ય, નામી ડોકટર અને ટોચના ઉદ્યોગપતિઓ હતા અને સ્કૂલ ખૂબ સારી રીતે ચાલતી હતી. વર્ષ ૧૯૯૮ની આસપાસ કોઈ કારણસર સ્કૂલ બંધ થતાં ઇમારત કેન્દ્રીય વિદ્યાલયને ભાડે અપાઈ હતી. પરંતુ દસેક વર્ષ પહેલા કેન્દ્રીય વિદ્યાલય પેઢલા ગામે શિફ્ટ થઈ જતા સ્કૂલની ઇમારત ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. હવે આ સોનાની લગડી જેવી જમીન હરાજીથી વેચવાની પ્રક્રિયા ચર્ચામાં છે, પરંતુ જમીન વેચવામાં અડચણરૂપ સ્કૂલની બાઉન્ડ્રી બહાર ૪૫ વર્ષથી સર્જાયેલ મકાનો તેમજ લાયન્સના જૂના ટ્રસ્ટીઓ દ્વારા લાયન્સ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશનના નામે બનાવેલી ઇમારત છે.
૩૦ મે ૨૦૨૬ના રોજ લાયન્સ ક્લબ (સોસાયટી) જેતપુર ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પરમારની સહીવાળી અરજી નગરપાલિકામાં કરાઈ છે કે ટ્રસ્ટની માલિકીની જમીન આગળ સરકારી ખરાબા, ગાડા માર્ગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીની જગ્યામાં કેટલાક લોકોએ બિનઅધિકળત દબાણો કરેલ છે. આ દબાણો માલિકીની જગ્યામાં અવરજવર માટે નડતરરૂપ હોવાથી તે દબાણો ઝડપથી દૂર કરી ગાડા માર્ગ પર રોડ બનાવી આપવો. આ અંગે પ્રકાશભાઈ પરમારે જણાવ્યું કે, ઙ્કહા, મેં અરજી કરી છે. અમારે તે જગ્યાની ચેરિટી કમિશ્નર મારફત જાહેર હરરાજી કરવાની છે અને આગળ દબાણ દૂર થાય તો હરાજીમાં યોગ્ય ભાવ મળે.
બીજી તરફ, હાલ લાયન્સ સ્કૂલની ઇમારત પર એક જાહેર ચેતવણીનું નોટિસ બોર્ડ લગાવેલું છે કે આ જગ્યાનો ભોગવટો લાયન્સ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન કરે છે, જેથી પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરવી નહીં. નીચે ટ્રસ્ટી તરીકે નરેન્દ્રભાઈ વિનોદરાય વસાવડાનું નામ છે.
દબાણકર્તાઓને નોટિસ આપનાર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યું કે, લાયન્સ ક્લબની અરજી આવેલ તે અનુસંધાને નોટિસ આપી છે. દબાણકર્તાઓ પાસે નગરપાલિકાની વેરા પહોંચ સિવાય બીજા કોઈ આધાર પુરાવા નથી તેવો જવાબ આવ્યો છે.
બીએપીએસ મંદિરથી લાયન્સ ક્લબ સુધીનો ગાડા માર્ગ કહેવાય છે. બે વર્ષ પૂર્વે બીએપીએસ મંદિર પાછળ ગરીબોના આશરા પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું અને હવે તેનાથી આગળ લાયન્સ ક્લબની મિલકતની બાઉન્ડ્રી આગળ ગાડા માર્ગ પર દબાણની નોટિસ અપાઈ છે, પરંતુ વચ્ચે ગાડા માર્ગ પર આવતા બીજા દબાણોને નોટિસ નથી અપાઈ તે શું સૂચવે છે? શહેરમાં અગાઉ અનેક પેસ કદમીની નોટિસો અપાઈ છે જેની કાર્યવાહી થઈ નથી. તો એક અરજદારે અનેક વખત સરકારી ખરાબા, વોકળાના દબાણો, ગૌચરની જમીનની જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? કાયદો માત્ર નાના માણસોને જ લાગુ પડે છે કે શું, તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
