News of Saturday, 25th April 2026
ગીરના જંગલમાં લોકશાહીનો અનોખો રણકાર: માત્ર 'એક' મત માટે આખું મતદાન મથક અને 8 અધિકારીઓની ટીમ, જાણો કોણ છે આ નસીબદાર મતદાર?
સિંહ અને દીપડાના સામ્રાજ્ય વચ્ચે બાણેજમાં ગુંજશે 'મતદાનનો મંત્ર'; મહંત હરિદાસ બાપુના એક વોટ માટે ચૂંટણી પંચની ખાસ તૈયારીઓ

ગીર સોમનાથ : સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ઊંડા જંગલમાં આવેલું 'બાણેજ' મતદાન મથક ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. જામવાળા ગીરથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા બાણગંગા તીર્થધામ ખાતે લોકશાહીનું એક એવું અનોખું પર્વ ઉજવાય છે, જે ભાગ્યે જ ક્યાંય જોવા મળે. અહીં દર વખતે 100 ટકા મતદાન થાય છે, કારણ કે અહીં નોંધાયેલા મતદારની સંખ્યા માત્ર 'એક' જ છે.
બાણેજમાં ગાદીપતિ મહંત હરિદાસ બાપુ એકમાત્ર નોંધાયેલા મતદાતા છે. અગાઉ તેમના ગુરુ સ્વ. ભરતદાસ બાપુ અહીંના એકમાત્ર મતદાર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા હતા. તેમના નિધન બાદ હવે હરિદાસ બાપુ આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. ગીરના ઘનઘોર જંગલમાં, જ્યાં હિંસક પશુઓનો વસવાટ છે, ત્યાં ચૂંટણી પંચ દ્વારા બાપુના એક મત માટે ખાસ 'મતદાન કુટીર' ઊભી કરવામાં આવે છે.
એક મત માટે લાખોનો ખર્ચ અને સુરક્ષાનો ઘેરો:
લોકશાહીમાં એક મતનું મૂલ્ય શું છે, તે બાણેજમાં જોવા મળે છે. બાપુના એક મતના રેકોર્ડિંગ માટે:
• ચૂંટણી પંચ દ્વારા 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવે છે.
• આખું ઈવીએમ (EVM) મશીન માત્ર એક જ વ્યક્તિના ઉપયોગ માટે ફાળવાય છે.
• વહીવટી તંત્રના અધિકારીઓ લાંબો પ્રવાસ ખેડીને આ દુર્ગમ વિસ્તારમાં પહોંચે છે.
ચૂંટણી પંચ માટે પડકાર અને મીડિયાનું આકર્ષણ:
રસપ્રદ વાત એ છે કે, મતદાન પ્રક્રિયામાં મતના 'ગુપ્તદાન'નો મહિમા છે, પરંતુ બાણેજમાં સ્થિતિ કંઈક અલગ જ હોય છે. જ્યારે મતગણતરી થાય છે ત્યારે ઈવીએમ ખોલતા જ સ્પષ્ટ થઈ જાય છે કે બાપુએ કોને મત આપ્યો છે. આ જ કારણ છે કે મોટા-મોટા નેતાઓથી લઈને આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર આ એક મત પર ટકેલી હોય છે. લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના પ્રતીક સમાન આ મતદાન મથક સાબિત કરે છે કે, સરકાર માટે પ્રત્યેક નાગરિકનો અવાજ અનમોલ છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
