<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિનો અનન્ય માહોલ :હજારો ત્રિદલ બિલ્વપત્રોથી વિશેષ શૃંગાર

મહાદેવજીના આ અલૌકિક અને મનોરમ્ય રૂપના દર્શન કરીને દેશ-વિદેશથી આવેલા હજારો ભાવિક ભક્તો ધન્ય બન્યા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિનો અનન્ય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ વદ દશમ અને રવિવારના પાવન પ્રસંગે સોમનાથ મહાદેવને 'દિવ્ય બિલ્વપત્ર શૃંગાર' અર્પણ કરવામાં આવ્યો હતો. મહાદેવજીના આ અલૌકિક અને મનોરમ્ય રૂપના દર્શન કરીને દેશ-વિદેશથી આવેલા હજારો ભાવિક ભક્તો ધન્ય બન્યા હતા.

મહાદેવને અત્યંત પ્રિય એવા ત્રિદલ બિલ્વપત્રોથી સોમનાથ જ્યોતિર્લિંગનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં સુંદર અને શુદ્ધ ત્રિદલ બિલ્વપત્રો વડે સોમનાથ દાદાની પ્રતિમાને અદ્ભુત રીતે શણગારવામાં આવી હતી. આ દિવ્ય રૂપના દર્શન માટે સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. શૃંગાર દર્શન ખુલ્લા મૂકાતાં જ સમગ્ર મંદિર પરિસર “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

 

શ્રાવણ માસ પૂર્ણતા તરફ જઈ રહ્યો હોવાથી અને રવિવારની રજા હોવાના કારણે સોમનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો હતો. દેશ તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સુગમતાથી દર્શન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, છાંયડા, દર્શન લાઈન અને સુરક્ષા વ્યવસ્થાના વિશેષ પ્રબંધો કરવામાં આવ્યા હતા.

મંદિરમાં ભક્તોની સુરક્ષા માટે પોલીસ કાફલો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યોરિટી સ્ટાફ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શ્રાવણના આ પાવન દિવસોમાં મહાદેવના આ દિવ્ય શૃંગારના દર્શન કરીને ભક્તોએ ભાવવિભોર બનીને ધન્યતા અનુભવી હતી.

 

(9:39 PM IST)