તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
મોરબીમાં ભાજપ દ્વારા આયોજિત બે-દિવસીય ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન-૨૦૨૬’ ભવ્ય રીતે સંપન્ન
મોરબી, ટંકારા અને વાંકાનેરના અપેક્ષિત કાર્યકર્તાઓએ મેળવ્યું પ્રશિક્ષણ : ૭ વિવિધ સત્રોમાં રાષ્ટ્રવાદી વિચારધારા અને સંગઠનાત્મક કાર્યપદ્ધતિનું તજજ્ઞ વક્તાઓએ આપ્યું માર્ગદર્શન

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના આશયથી મોરબી તાલુકો, ટંકારા તાલુકો અને વાંકાનેર શહેર મંડળના સંયુક્ત ઉપક્રમે બે-દિવસીય "પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન-૨૦૨૬" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૪ અને ૫ જુલાઈ દરમિયાન એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં ત્રણેય વિસ્તારના અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં કુલ ૭ સત્રોના માધ્યમથી કાર્યકર્તાઓમાં વૈચારિક અને સંગઠનાત્મક માર્ગદર્શનનું સિંચન કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ્ સાથે મહા અભિયાનનો પ્રારંભ:
આ પ્રશિક્ષણ વર્ગના સત્રોની શરૂઆત મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાવવામાં આવી હતી. રાષ્ટ્રભક્તિના પ્રતીક સમાન વંદે માતરમ્ ગાન સાથે પ્રશિક્ષણ વર્ગનો વિધિવત પ્રારંભ થયો હતો. આ બે દિવસીય પ્રશિક્ષણ દરમિયાન અલગ-અલગ વિષયો પર ૭ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના વરિષ્ઠ અને નિષ્ણાત વક્તાઓએ કાર્યકર્તાઓને પક્ષની રીત-નીતિથી માહિતગાર કર્યા હતા.
બે દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ વૈચારિક સત્રોની વિગતો:
પ્રશિક્ષણ વર્ગ દરમિયાન કાર્યકર્તાઓને પક્ષના ઇતિહાસથી લઈને સંગઠન સુધીની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી:
સત્ર ૧ (૪ જુલાઈ): ‘વૈચારિક અધિષ્ઠાન’ વિષય પર સુભાષભાઈ પંડસુબીયાએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને તેમનામાં રાષ્ટ્રવાદી વિચારધારાનું સિંચન કર્યું હતું.
સત્ર ૨ (૪ જુલાઈ): 'ભાજપનો ઇતિહાસ' વિષય પર મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ પક્ષની સ્થાપના, તેના સંઘર્ષના દિવસો અને વર્તમાન વિકાસયાત્રાની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
સત્ર ૩ (૪ જુલાઈ): ‘આપણી કાર્યપદ્ધતિ તથા કાર્યકર્તા સંભાળ’ વિષય પર પ્રશિક્ષણ વર્ગ સૌરાષ્ટ્ર ઝોન-૨ ના પ્રદેશ ઇન્ચાર્જ રાજીવભાઇ પંડ્યા દ્વારા કાર્યકર્તાઓને સંગઠનાત્મક પાસાઓનું મોટું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સત્ર ૪ (૫ જુલાઈ): મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેનાએ ‘કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ' વિષય પર વિસ્તૃત અને પ્રેરણાદાયી માહિતી આપી હતી.
મોટી સંખ્યામાં મહાનુભાવો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે સમાપન:
આ પ્રશિક્ષણ શિબિરમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ચતુરભાઈ મકવાણા સહિત મોરબી, ટંકારા અને વાંકાનેર શહેર મંડળના પ્રમુખ-મહામંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ ત્રણેય તાલુકા અને શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રગીતના સામૂહિક ગાન સાથે આ સફળ શિબિરનું ગરિમાપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગને દરેક સ્તરે સફળ બનાવવા માટે મોરબી તાલુકો ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મહેશભાઈ લીખીયા તથા વિવિધ તાલુકા પ્રમુખોએ ભારે જહેમત ઉઠાવીને પ્રશંસનીય જિમ્મેદારી નિભાવી હતી.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
