<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ધ્રોલ હાઇવે પર છોટા હાથી પલટી જતાં ગમખ્‍વાર અકસ્‍માત

દ્વારકા દર્શને જઈ રહેલા ચોરવિલાના રબારી પરિવારના ૧૨થી વધુ લોકો ઈજાગ્રસ્‍ત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૩: ધ્રોલ-રાજકોટ હાઇવે પર આહીર કન્‍યા છાત્રાલય નજીક ગઈ કાલે એક કાળમુખો અકસ્‍માત સર્જાતા અરેરાટી વ્‍યાપી ગઈ છે, જેમાં દ્વારકાધીશના દર્શને જઈ રહેલા એક જ પરિવારના સભ્‍યોથી ભરેલું છોટા હાથી વાહન અચાનક પલટી મારી ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વાહનમાં સવાર ૧૨ થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી ૬ લોકોને ગંભીર ઈજાગ્રસ્‍ત થતાં જામનગરની હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવ્‍યા છે.

તમામ લોકો સાયલા તાલુકાના ચોરવિલા ગામના રબારી સમાજના વતની છે. જેમાં કાકા-મામાના ભાઈ-બહેનો અને બાળકો સહિત અંદાજે કુલ ૧૮ જેટલા લોકો વાહનમાં સવાર થઈને દર્શન કરવા જઈ રહ્યા હતા ત્‍યારે માર્ગમાં જ નસીબ રૂઠ્‍યું હતું.

ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતેથી મળેલા નામોની યાદી પ્રમાણે નાથીબેન મેધા, જીવણીબેન હાઝાભાઇ, જશુબેન કરશનભાઈ, રસીકભાઇ આજાભાઈ, જમિનબેન કરશનભાઈ, હેતલ કરશનભાઈ, અમરીબેન, સંસ્‍કાર રામજીભાઈ અને આયુષ્‍ય માત્રા સહિતના લોકોને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

આ અકસ્‍માતની જાણ થતાં જ ધ્રોલ ભરવાડ સમાજના આગેવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું અને તેઓ તાત્‍કાલિક હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા. ઈજાગ્રસ્‍તોને સમયસર સારવાર મળી રહે તે માટે ધ્રોલ અને જોડીયાની ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની મદદ લેવામાં આવી હતી. એટલું જ નહીં, પરિસ્‍થિતિની ગંભીરતાને સમજીને ભરવાડ સમાજના આગેવાનોએ પોતાના ખાનગી વાહનો પણ કામે લગાડ્‍યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને તાબડતોબ જામનગર જી.જી હોસ્‍પિટલ ખાતે ખસેડવાની વ્‍યવસ્‍થા કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ ઈજાગ્રસ્‍તો જામનગર ખાતે સારવાર હેઠળ છે જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા હોવાથી સારવાર લઈ રહ્યા છે અન્‍ય નાની ઈજા થતા લોકોને લોકોને રજા આપી દીધી છે. 

(1:23 PM IST)