<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

માંગરોળ પાસે યાત્રાળુઓની બસને અકસ્‍માત નડતા હિન્‍દુ-મુસ્‍લિમ યુવકો દ્વારા માનવતાની મહેક

તાબડતોબ સેવા કાર્યમાં લાગી જઇને ઇજાગ્રસ્‍તોને હોસ્‍પિટલે ન પહોંચાડયા હોત તો મૃત્‍યુઆંક વધી જાત

(નરેશ ગોસ્‍વામી દ્વારા) માંગરોળ તા. ૪: દ્વારકાથી દર્શન કરી ભાવનગરના યાત્રાળુઓ સોમનાથ તરફ જઈ રહ્યા હતા. એ સમયે બપોરે અઢી વાગ્‍યાના સુમારે રસ્‍તામાં એકાએક રોઝડુ ઉતરી આવતા તેને બચાવવાનો મોટરસાયકલ સવારે પ્રયાસ કર્યો હતો અને કાબુ ગુમાવ્‍યો હતો. ત્‍યારબાદ મોટરસાયકલ ચાલકને બચાવવા જતા બસ ચાલકે કાબુ ગુમાવતા બસ પલ્‍ટી મારી ગઈ હતી. અનેક લોકો બસ નીચે દબાઈ ગયા હતા અને હાઈવે ચિચીયારીઓથી ગુંજી ઉઠ્‍યો હતો. આ ઘટનાની જાણ થતાં માંગરોળ ડીવાયએસપી કોડીયાતર, પીઆઈ સાકળીયા, મરીન પીઆઈ પી.કે.ચાવડા , શીલ પીઆઈ ચૌધરી, એસઓજી સહિતનો પોલીસ સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. આ ઉપરાંત સ્‍થાનિકો અને માંગરોળથી હિન્‍દુ મુસ્‍લિમ યુવાનો અકસ્‍માત સ્‍થળે મદદ માટે પહોંચી ગયા હતા. પલ્‍ટી મારી ગયેલી બસને જેસીબીની મદદથી સીધી કરવામાં આવી હતી. ધુમાડા જેવું જણાતા શોટશર્કિટ કે બસમાં આગ ન લાગે તે માટે  બેટરી બહાર કાઢી નાંખવામાં આવી હતી. બનાવ એટલો ભયાનક હતો કે ઘટના સ્‍થળે શરીરથી અલગ પડેલા માનવ અંગો નજરે પડ્‍યા હતા. અકસ્‍માત નજીક રોઝડુ પણ મળત હાલતમાં જોવા મળ્‍યું હતું. બસ નીચે દટાયેલા તેમજ કાચ તોડી બહાર કાઢવામાં આવેલા ઈજાગ્રસ્‍તોને ૧૦થી વધુ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે તાબડતોબ માંગરોળ હોસ્‍પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવની ગંભીરતાને ધ્‍યાને લઈ શીલના આરોગ્‍યકર્મીઓ પણ માંગરોળ આવી પહોંચ્‍યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સંખ્‍યાબંધ લોકોને માંગરોળ હોસ્‍પિટલે ખસેડાયા હતા . જેમાં તેજુબા ગંભીરદાસ ખડીયા (ઉ.વ.૫૮) અને જશુબેન ખોડીદાસ મકવાણા (ઉ.વ. ૫૪) (રહે. ભાવનગર)ના મોત નીપજયા હતા. જ્‍યારે ચાર થી પાંચ ગંભીર ઈજાગ્રસ્‍તો સહિત નાની મોટી ઈજાઓ થતાં ૨૦થી વધુ લોકોને માંગરોળ પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ વધુ સારવાર માટે રિફર કરાયા હતા. બસમાં અંદાજે ૪૦ લોકો સવાર હોવાનું જાણવા મળેલ છે.

 લોકોના જણાવ્‍યા મુજબ હિન્‍દુ મુસ્‍લિમ યુવાનોએ સમયસર પહોંચીને ભારે જહેમત ઉઠાવી ઈજાગ્રસ્‍તોને બસની બહાર ન કાઢયા હોત મૃત્‍યઆંક વધવાની ભીતિ હતી. અકસ્‍માતને પગલે પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

(12:28 PM IST)