<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ધ્રોલ-જોડીયામાં જામશે ત્રિપાંખિયો જંગ, જ્‍યારે પીઠડ જીલ્‍લા પંચાયત બેઠક પર ભાજપનું ‘કમળ' બિનહરીફ ખીલ્‍યું

અન્‍ય ત્રણ બેઠકો પર જામશે ત્રિપાંખિયો જંગઃ ધ્રોલ-જોડીયા તાલુકા પંચાયત ૨ સીટ બિન હરીફ કેશિયા અને મોટા વાગુદળ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૧૬: ધ્રોલ અને જોડીયા તાલુકાની જિલ્‍લા પંચાયતની બેઠકો માટે ફોર્મ ખેંચવાના છેલ્‍લા દિવસે રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્‍યો છે.૧૪ તારીખે ૩ વાગ્‍યે ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાની સાથે જ જોડીયાની પીઠડ બેઠક પર ભાજપે જીતનું ખાતું ખોલાવ્‍યું છે, જ્‍યારે અન્‍ય ત્રણ બેઠકો પર હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ખરાખરીનો જંગ ખેલાશે.

જોડીયા તાલુકાની પીઠડ જિલ્‍લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન મૌલિકભાઈ ગોધાણી બિનહરીફ જાહેર થયા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મીનાબા લખધીરસિહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલાબેન ચનિયારાએ પોતપોતાના ફોર્મ પાછા ખેંચી લેતા મયુરીબેનનો વિજય માર્ગ મોકળો બન્‍યો હતો. પૂર્વ મંત્રી હકુભા જાડેજા અને ધરમશીભાઈ ચનીયારાની પ્રેરક ઉપસ્‍થિતિમાં ભાજપે આ બેઠક પર વિજયધ્‍વજ લહેરાવી વિરોધ પક્ષોને જોરદાર આંચકો આપ્‍યો છે.

બીજી તરફ, ધ્રોલ તાલુકાની ખારવા બેઠક પર મહિલા ઉમેદવારો વચ્‍ચે ત્રિપાંખિયો જંગ જામશે. અહીં ભાજપના રંજનબેન ડી.ડી. જીવાણી સામે કોંગ્રેસના આશાબા લખધીરસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઈલાબા પ્રધુમનસિંહ જાડેજા મેદાનમાં છે. તેવી જ રીતે ધ્રોલની લતીપર બેઠક પર ભાજપના કલ્‍પેશ બાબુભાઈ માલાણી, કોંગ્રેસના અજીતસિંહ અનોપસિંહ જાડેજા અને 'આપ'ના મનસુખભાઈ જેરામભાઈ રામાણી વચ્‍ચે કાંટાની ટક્કર જોવા મળશે.

જોડીયા જિલ્‍લા પંચાયતની મુખ્‍ય બેઠક પર પણ જંગ રસપ્રદ બન્‍યો છે. અહીં ભાજપના રાજેશભાઈ વશરામભાઇ મકવાણા સામે કોંગ્રેસના હિરેન કુમાર બાબુલાલ નળીયાપરા અને આમ આદમી પાર્ટીના વશરામભાઇ નરસંગભાઈ રાઠોડ પોતાની કિસ્‍મત અજમાવી રહ્યા છે. આમ, કુલ ચાર બેઠકોમાંથી એક બેઠક ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે, જ્‍યારે બાકીની ત્રણ બેઠકો પર હવે મતદારો કોના પર મહોર મારે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

જિલ્‍લા પંચાયતની સાથે તાલુકા પંચાયતમાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. ધ્રોલ તાલુકા પંચાયતની મોટા વાગુદળ સીટ અને જોડીયા તાલુકા પંચાયતની કેશિયા સીટ પરથી વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડતા આ બંને બેઠકો પણ ભાજપે બિનહરીફ જીતી લીધી છે.

(10:38 AM IST)