તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
કોંગ્રેસનો ગઢ ગણાતી માળીયા (મી.) નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ
સેન્સ પ્રક્રિયામાં કોઈ ઉમેદવારી ન થતા અંતે ભાજપે કોઈ જાહેરાત વગર ચુપચાપ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા : ૨૪ બેઠકો માટે ૭૫ ઉમેદવારો મેદાનમાં

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૪: કેન્દ્ર અને રાજ્યમાં સતા સ્થાને બેઠેલા ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટણી લડવા અનેક ઉમેદવારો મેદાને આવતા હોય છે ત્યારે મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકા એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે કે, અહીં ચૂંટણી લડવા ભાજપમાંથી કોઈએ સેન્સ ઙ્કક્રિયા માટે દાવેદારી ન કરતા મુસ્લિમ બહુમતી ધરાવતી માળીયા મિયાણા નગરપાલિકામાંની ચૂંટણીમાં ભાજપે કોઈ પણ જાહેરાત વગર ચુપચાપ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસનું એકચક્રી શાસન ધરાવાતા આ શહેરમાં નગરપાલિકાની ૨૪ બેઠકો પર ત્રણ રાજકીય પક્ષો વચ્ચે પ્રથમ વખત જબરો ચૂંટણી જંગ જોવા મળશે. હાલ માળિયા મિયાણા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ૭૫ ઉમેદવારો મેદાનમાં છે.
માળીયા મિયાણા નગર પાલિકાનો ઈતિહાસ જોઈએ તો માળિયા મિયાણા શહેરને વર્ષ ૨૦૦૫મા નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વર્ષ ૨૦૦૬માં સમરસ બોડી બની હતી. જે બાદ સતત ૨૦ વર્ષથી કોંગ્રેસનું એકચક્રી શાસન અહીં ચાલે છે. વર્ષ ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીમાં અહીં ૨૪ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને ૪ અપક્ષ સહિત ૭૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને આવ્યા હોય ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામશે. મહત્વનું છે કે, SIR બાદ અહીં ૧૨૦૦ જેટલા મતદારો કપાયા છે ત્યારે ચૂંટણીમાં સતા મેળવવા ત્રણેય પાર્ટીઓએ મહેનત શરૂ કરી છે.
મોરબી જિલ્લામાં પછાત ગણાતા માળીયા મિયાણા શહેરમાં સાત કિલોમીટર વિસ્તારમાં નગરપાલિકા પથરાયેલ છે અહીં ૯૦ ટકા મતદાર મુસ્લિમ સમાજના છે જ્યારે બાકી ૧૦ ટકામાં અન્ય જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. કુલ છ વોર્ડ ધરાવતી માળીયા મિયાણા શહેરમાં અંદાજે ૩૦ હજારની વસતી છે. SIR પહેલા અહીં ૧૧ હજાર જેટલા મતદાર હતા.જેમાં SIR બાદ નગરપાલિકામાં ૪૯૩૯ પુરુષો અને ૪૩૩૦સ્ત્રી મતદાર મળી ૯૨૬૯ મતદાર નોંધાયેલ છે. SIR પ્રક્રિયામાં નગરપાલિકા વિસ્તારમાં ૧૨૦૦ જેટલા મતદારોના નામ દૂ૨ ક૨વામાં આવ્યા છે.
સામાન્ય રીતે ગ્રામ પંચાયતથી લઈ સાંસદ સુધીની ચૂંટણીમાં ભાજપમાં સેન્સ પ્રક્રિયા યોજી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે પરંતુ મોરબી જિલ્લાની માળીયા મિયાણા નગરપાલિકા માટેની સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર સામે ન આવતા આ વખતે ભાજપ દ્વારા ગુપચુપ રીતે અહીં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
માળીયા મિયાણા નગરપાલિકા વર્ષ ૨૦૦૬મા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ૨૧ સભ્યો હતા જેમાં ૧૧ સભ્ય કોંગ્રેસના અને ૧૦ સભ્ય ભાજપના હતા અને સમરસ સતા હતી. જો કે, વર્ષ ૨૦૧૧મા કોંગ્રેસને ૧૮ અને ભાજપને ૩ બેઠક મળી હતી.જ્યારે ૨૦૧૬માં બેઠકની સંખ્યા ૨૪ થતા ૧૪ બેઠક કોંગ્રેસને અને ૧૦ ભાજપને મળી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧માં તમામ ૨૪ બેઠક કોંગ્રેસને મળી હતી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે, ત્રિપાંખીયો ચૂંટણી જંગ હોવા છતાં સતત ચોથી વખત કોંગ્રેસ સતા મેળવશે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
