તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ભચાઉના ચોપડવા ગામ પાસે જાણીતી પ્લાયવુડ બનાવતી કંપનીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી :લાખોનો સામાન બળીને ખાખ
ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અને કંપનીના કર્મચારીઓમાં ભારે ફફડાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોપડવા ગામ પાસે આવેલી એક જાણીતી પ્લાયવુડ બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં તેણે સમગ્ર ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ચોપડવા સ્થિત પ્લાયવુડ કંપનીમાં જ્યારે આગ લાગી ત્યારે ત્યાં રહેલા જ્વલનશીલ પદાર્થો અને લાકડાના જથ્થાને કારણે આગે ઝડપથી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અને કંપનીના કર્મચારીઓમાં ભારે ફફડાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગની ગંભીરતાને જોતા સૌથી પહેલા ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આગ એટલી તીવ્ર હતી કે તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. પરિણામે, આસપાસના અન્ય 5 જેટલા ફાયર સ્ટેશનોની મદદ લેવામાં આવી હતી. સતત પાણીનો મારો ચલાવીને અને કલાકોની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને વધુ ફેલાતી અટકાવી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ, આ ભીષણ આગમાં કંપનીમાં રાખેલું પ્લાયવુડ બનાવવાનું મોટા પ્રમાણમાં રો-મટીરિયલ અને અતિ આધુનિક મોંઘી મશીનરી બળીને રાખ થઈ ગયા છે. ફેક્ટરી માલિકો અને તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક ગણતરી મુજબ આ નુકસાન લાખો કે કરોડો રૂપિયામાં હોઈ શકે છે. સંપૂર્ણ નુકસાનનો આંકડો સર્વે બાદ જ સ્પષ્ટ થશે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય હકીકત તપાસ બાદ જ સામે આવશે. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કંપનીના સેફ્ટી ઓડિટ અને આગના મૂળ કારણો શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સદનસીબે, આગ લાગી ત્યારે સમયસર સાવચેતી રાખવામાં આવતા કોઈ પણ શ્રમિક કે વ્યક્તિને ઈજા પહોંચી નથી, જે એક મોટી રાહતની વાત છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
