તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
જૂનાગઢની ડૉ. આંબેડકર કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીએ પોતાના જ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો
મૃતક જયેશ સોલંકી સાયન્સ સ્ટ્રીમમાં MSC સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ તે સરકારી અધિકારી બનવાના લક્ષ્ય સાથે જૂનાગઢમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતો હતો

જૂનાગઢના ડૉ. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં રહીને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા એક યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. MSC જેવી ઉચ્ચ પદવી મેળવ્યા બાદ સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનના આ અંતિમ પગલાથી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢની ડૉ. આંબેડકર કુમાર છાત્રાલયમાં રહેતા 26 વર્ષીય જયેશ સોલંકી નામના વિદ્યાર્થીએ આજે વહેલી સવારે પોતાના જ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જયેશ મૂળ અમરેલી જિલ્લાનો વતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સવારના સમયે જ્યારે રૂમનો દરવાજો ન ખુલ્યો અને જાણ થઈ, ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ જોયું કે જયેશે પંખા સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું હતું.
મૃતક જયેશ સોલંકી ભણવામાં તેજસ્વી હતો અને તેણે સાયન્સ સ્ટ્રીમમાં MSC સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ તે સરકારી અધિકારી બનવાના લક્ષ્ય સાથે જૂનાગઢમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યો હતો. હોસ્ટેલમાં રહીને તૈયારી કરતા આ યુવાને અચાનક કેમ મોતને વહાલું કર્યું, તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ જૂનાગઢના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવાર અને પોલીસ કાફલો તાત્કાલિક હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. ચેતન પવારે આ ઘટનાને અત્યંત દુખદ ગણાવી હતી. પોલીસે પંચનામું કરીને જયેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે, જેના કારણે પરિવારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું જયેશ પરીક્ષાના ટેન્શનમાં હતો કે પછી કોઈ અન્ય અંગત કારણોસર તે માનસિક તણાવ અનુભવી રહ્યો હતો. હોસ્ટેલમાંથી કોઈ સ્યુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાએ ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અને વધતા દબાણ પર ચર્ચા જગાવી છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
