News of Saturday, 3rd October 2026
અમરેલીના વડિયા પંથકમાં વિફરેલી સિંહણે આતંક મચાવ્યો:12 કલાકમાં અલગ-અલગ 4 સ્થળોએ હુમલા: ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 લોકો ઘાયલ કર્યા
રેસ્ક્યૂ ઓપરેશન બાદ બપોરે સિંહણને ટ્રાન્ક્વિલાઈઝર (બેભાન) કરીને પાંજરે પૂરી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો

અમરેલી જિલ્લાના વડિયામાં આવેલા અરજણસુખ ગામ અને આસપાસના વિસ્તારમાં વિફરેલી સિંહણે આતંક મચાવ્યો હતો. આ સિંહણે 12 કલાકના એક પછી એક અલગ-અલગ 4 સ્થળોએ હુમલા કરીને ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 લોકોને લોહીલુહાણ કરી દીધા હતા. ત્યારબાદ વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બપોરે સિંહણને ટ્રાન્ક્વિલાઈઝર (બેભાન) કરીને પાંજરે પૂરી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે
પહેલી ઓક્ટોબરની રાત્રે તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા અરજણસુખ ગામેથી પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અરજણસુખ ગામના પાટિયા નજીક રસ્તામાં અચાનક સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહણના હુમલાને કારણે બંને યુવકો નીચે પટકાયા હતા, જેમાં એકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોડીરાતની આ ઘટના બાદ પણ સિંહણનો આતંક અટક્યો નહોતો. તેણે સીમ વિસ્તારમાં વધુ લોકો પર હુમલા કર્યા હતા. સિંહણ માણસોને જોઈને સીધી હુમલો કરવા દોડતી હોવાથી સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તપાસ દરમિયાન વનવિભાગના એક ફોરેસ્ટ ગાર્ડ પર પણ સિંહણે હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કર્યા હતા.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
