<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

અંજારમાં 'ખટ્ટામીઠા' ફિલ્મ જેવો અજીબોગરીબ સીન: ડ્રાઇવર વગર બેકાબૂ બનેલું રોડ રોલર રસ્તા પર દોડ્યું, બોલેરો સાથે ધડાકાભેર અથડાયું

ડ્રાઇવર વગર જ અચાનક ચાલુ થઈને રસ્તા પર દોડવા લાગેલા રોડ રોલરને રોકવા માટે સ્થાનિકોએ જીવના જોખમે મથામણ કરી, વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

અંજાર : કચ્છના અંજાર શહેરમાં અક્ષય કુમારની પ્રખ્યાત ફિલ્મ 'ખટ્ટામીઠા'ના સીન જેવી જ એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંજારમાં રસ્તા પર ઉભેલું એક ભારેખમ રોડ રોલર કોઈ પણ ડ્રાઇવર વિના અચાનક ચાલુ થઈ ગયું હતું અને રસ્તા પર બેકાબૂ બનીને દોડવા લાગ્યું હતું.

 

ડ્રાઇવર વગર અચાનક આગળ વધી રહેલા આ રોડ રોલરને જોઈને આસપાસના લોકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક સાહસિક સ્થાનિક લોકોએ પોતાના જીવના જોખમે રોલર પર ચડીને કે તેને ધક્કો મારીને રોકવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ આ અતિ વજનદાર રોલર તેમની પકડમાં આવ્યું નહોતું.

 

બેકાબૂ બનીને આગળ વધેલું રોડ રોલર રસ્તા પર ઉભેલી એક બોલેરો ગાડી સાથે ધડાકાભેર અથડાયું હતું, જેના કારણે બોલેરો કારને નુકસાન પહોંચ્યું હતું. સદ્નસીબે આ ભયાનક અકસ્માત દરમિયાન કોઈ પણ વ્યક્તિ તેની ઝપેટમાં આવી નહોતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

આ સમગ્ર ઘટનાનો કિલકિલાટ અને અફરાતફરીનો વિડીયો સોશિયલ મીડિયા પર પૂરપાટ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

(9:14 PM IST)