News of Friday, 24th April 2026
જામનગરના મોરકંડા રોડ પર બેફામ ગતિએ દોડતી કાર પલ્ટી, બે મોટરસાઇકલને નુકસાન
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો: સદભાગ્યે જાનહાનિ ટળી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૪ : જામનગરના મોરકંડા રોડ પર ગત બપોરે એક કાર ચાલકે બેફામ ગતિએ કાર ચલાવી રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બે ટુ-વ્હીલરને હડફેટમાં લઈ નુકસાન પહોંચાડ્યું હતું. અકસ્માતમાં કાર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
તા. 22 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે જામનગર-રાજકોટ બાયપાસ રોડ પર મોરકંડા પાટીયા પાસે બનેલી ઘટનામાં કાર નં. જી.જે. 01 ડબ્લ્યુ.એચ. 6630ના ચાલકે બેફામ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા કાબુ ગુમાવી કાર પલટી ખવડાવી દીધી હતી. આ દરમિયાન નજીકમાં પાર્ક કરેલી બે મોટરસાયકલોને કારે હડફેટમાં લેતા તે વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
આ બનાવ અંગે બાઈક ચાલક નિતિનભાઈ દેવજીભાઈ જેપાર ઉ.વ. 33, રહે. જામનગર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 281 તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતનો વિડીયો સૌપ્રથમ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને બાદમાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. એક બાઈક સવાર પોતાનું બાઈક સાઈડમાં રાખી પાનની દુકાને ઉભો હતો ત્યારે કાર ધસી આવી હતી અને બે વાહનોને અડફેટમાં લીધા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વિડિયોમાં કારનો ચાલક પણ અકસ્માત બાદ સહી સલામત રીતે બહાર નીકળતો જોવા મળ્યો હતો.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
