<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

સહકારી ક્ષેત્રની સંવેદનાત્‍મક પહેલઃ લતીપુરના અકસ્‍માતમાં દિવંગત ખેડૂતના વારસદારને રૂા.૧૧ લાખની વીમા સહાય અર્પણ

ધ્રોલ યાર્ડ, જામનગર ડી.સી.સી. બેંક અને લતીપુર સેવા સહકારી મંડળીના સંયુક્‍ત ઉપક્રમે ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલના હસ્‍તે ચેકનું વિતરણ કરાયું: સહકારી આગેવાનોની ઉપસ્‍થિતિ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૧ : ધ્રોલ માર્કેટિંગ યાર્ડ, જામનગર ડી.કો.ઓ. બેંક તથા લતીપુર સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા અકસ્‍માતમાં અવસાન પામેલા ખેડૂતના પરિવારને આર્થિક આધાર પૂરો પાડવા માટે ખેડૂત અકસ્‍માત વીમા યોજના અંતર્ગત કુલ રૂા.૧૧ લાખની સહાય રકમના ચેકનું વિતરણ ધારાસભ્‍ય  રાઘવજીભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

મળતી વિગતો અનુસાર, લતીપુર ગામના ખેડૂત સ્‍વ. ડાયાભાઈ હીરાભાઈ તરફડાનું અકસ્‍માતમાં દુઃખદ અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્‍યું હતું. આવા કપરા સમયે ખેડૂતના વારસદારને નાણાકીય ટેકો મળી રહે તે માટે સહકારી માળખા હેઠળ વીમા કવચની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં જામનગર ડી.કો.ઓ. બેંક દ્વારા રૂા.૫ લાખ, લતીપુર સેવા સહકારી મંડળી લિમિટેડ તરફથી રૂા.૫ લાખ તથા ધ્રોલ માર્કેટિંગ યાર્ડ દ્વારા રૂા.૧ લાખ મળી કુલ રૂા.૧૧ લાખની સહાય રકમ ચૂકવવામાં આવી છે. ધારાસભ્‍ય શ્રી રાઘવજીભાઈ પટેલે સ્‍વર્ગસ્‍થ ખેડૂતના વારસદારને આ ચેક અર્પણ કરી પરિવાર પ્રત્‍યે સાંત્‍વના વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ કેશાભાઈ ભંડેરી, વાઈસ ચેરમેન મયુરસિંહ એસ. જાડેજા, ડિરેક્‍ટર મહેશભાઈ ચીખલીયા તથા સેક્રેટરી ઉમેશ કગથરા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર ડી.કો.ઓ. બેંક લતીપુર શાખાના મેનેજર ઘનશ્‍યામભાઈ ભંડેરી, ખેતી બેંકના ડિરેક્‍ટરલવજીભાઈ તરાવીયા, લતીપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ ગણેશભાઈ રામાણી તેમજ ધ્રોલ તાલુકા સંઘના ડિરેક્‍ટર મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(12:03 PM IST)