<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

સાવરકુંડલા જીઆઇડીસી વિસ્તારમાં ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું ::ગટર લાઇનના કામ દરમિયાન મોટી બેદરકારી

ગેસ લાઇન તૂટતાંની સાથે જ ત્યાં જોરદાર ભડાકો થયોઅને આગ લાગી :સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ:સદનસીબે સમયસર ગેસ સપ્લાય બંધ કરી દેવાતા મોટી હોનારત ટળી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા GIDC વિસ્તારમાં ગટર લાઇનના કામ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે. મેઈન રોડ પર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને થઈ રહેલી કામગીરી દરમિયાન જેસીબી ચાલકે ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જ્યું હતું. ગેસ લાઇન તૂટતાંની સાથે જ ત્યાં જોરદાર ભડાકો થયો હતો અને આગ લાગી ગઈ હતી. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે સમયસર ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવતા એક બહુ મોટી હોનારત થતાં અટકી ગઈ છે.

સાવરકુંડલાના જનતા બાગ નજીક જ્યારે ગટર લાઇનનું ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે જેસીબી ચાલકે અગમચેતી રાખ્યા વિના મશીન ચલાવતા ગુજરાત ગેસની મુખ્ય લાઇન તોડી નાખી હતી. લાઇન તૂટતાની સાથે જ મોટા ધડાકા સાથે ગેસ લીકેજ થયો અને આગ ભભૂકી ઉઠી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા જ અકસ્માત સર્જનાર જેસીબી ચાલક પોતાનું મશીન ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ગેસ લાઇન ફાટવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં થોડા સમય માટે ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમે જરાય સમય બગાડ્યા વિના ગેસની મેઈન લાઇનનો સપ્લાય પાછળથી બંધ કરી દીધો હતો. ગેસ બંધ થઈ જતાં આગ પર કાબૂ મેળવી શકાયો હતો અને સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

કોઈપણ સરકારી કે ખાનગી ખોદકામ કરતા પહેલા ગેસ લાઇન જેવી સંવેદનશીલ બાબતોની દરકાર રાખવી અનિવાર્ય હોય છે. સાવરકુંડલા GIDCમાં સુરક્ષાના તમામ નિયમોને અવગણીને બેજવાબદારીપૂર્વક કામ કરવામાં આવતું હોવાથી સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આવા જોખમી કામો દરમિયાન પ્રોટોકોલનું પાલન ન કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર એજન્સીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.

(5:36 PM IST)