News of Thursday, 2nd July 2026
જેતપુરના બોરડી સમઢિયાળા ગામે આર એન્ડ બી દ્વારા બનાવેલ રોડમાં સામાન્ય વરસાદે પાણી ભરાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨: માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેતપુર થી બગસરા સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં તાલુકાના બોરડી સમઢીયાળા ગામે જે સિમેન્ટ રોડ બનાવ્યો છે તેમાં ગઈકાલે અડધો ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાય જતા જેસીબીથી રોડ તેમજ સાઈડ સોલ્ડર તોડી પાણીનો નિકાલ કરવો પડતા અણઆવડતની પોલ ખુલી.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેતપુર બગસરા રોડનું ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકાની હદ પુરી થાય ત્યાં સુધીનું રોડનું કામ કરવામાં આવ્યું છે. તેમાં બોરડી સમઢીયાળા ગામેથી નીકળતા રોડને ખોદી ગામની હદ વિસ્તાર સુધી સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ ગઈ કાલે માત્ર અડધો ઇંચ વરસાદ પડતાં રોડમાં એક બાજુ પાણી ભરાય ગયું જેને કારણે બાઇક ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ અંગે ગામ લોકોએ જણાવ્યું હતું કે, અમો એ આર એન્ડ બીના ઈજનેરને કેટલા મહિનાથી કહેતા હતા કે છેવાડાના ભાગે રોડમાં લેવલીંગ નથી ત્યાં પાણી ભરાય જશે પણ તે તેઓએ કઈ ધ્યાન જ ન આપ્યું અને માત્ર અડધા ઇંચ વરસાદમાં પાણી ભરાય જતા આ રોડ પરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડ પર પાણી ભરાય જતા તંત્ર દ્વારા જેસીબી મોકલી સાઈડ સોલ્ડર તેમજ ખૂણેથી થોડો રોડ ખોદી પાણીનો નિકાલ કર્યો હતો. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હજુ તો આગળ રોડના કામનું બાકીનું કામ પણ ચાલુ છે ત્યાં રોડ તેમજ સાઈડ સોલ્ડર ખોદી નાખવા પડશે કે કેમ? આ બાબત એન્જિનિયરની આવડત પર સવાલ ઉભા કરે છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
