<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ગણિત શિક્ષણમાં નવીનતાની ક્રાંતિ : મીરા વૈષ્ણવને રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ–૨૦૨૬થી સન્માનિત કરાયા

ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા સોનગઢ ખાતે યોજાયેલા ૨૦મા રાજ્ય ગણિત મહોત્સવમાં જાણીતા વૈજ્ઞાનિકોના હસ્તે અપાયું સન્માન : A.I. અને પ્રેક્ટિકલ પ્રયોગોથી ગણિતને સરળ બનાવવામાં નોંધપાત્ર પ્રદાન

જૂનાગઢ: શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર–ચણાકા (તા. ભેસાણ) ની ગણિત-વિજ્ઞાન વિષયની શિક્ષિકા મીરા સતિષભાઈ વૈષ્ણવને ગણિત શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ નવીન પ્રયોગો અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય કક્ષાના 'શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ–૨૦૨૬' થી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ–ગુજરાત એકમ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે આયોજિત ૨૦મા ગુજરાત રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવ દરમિયાન આ ગૌરવવંતું સન્માન કરવામાં આવ્યું હતું.

ગણિત વિષયને સરળ, રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી બનાવવા માટે મીરા વૈષ્ણવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (A.I.) નો વિનિયોગ, પ્રેક્ટિકલ ગણિત, ક્રિયાત્મક સંશોધન અને સ્વનિર્મિત 'BMCC ગણિત બુક' જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિતની પાયાની સમજ મજબૂત કરી છે. તેમણે વિદ્યાર્થીઓમાંથી ગણિતનો ડર દૂર કરી તેને દૈનિક જીવન સાથે સાંકળીને સર્જનાત્મક તથા અનુભવજન્ય શિક્ષણ આપવાનો વિશેષ પ્રયાસ કર્યો છે.

આ એવોર્ડ દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. જે. જે. રાવલ, ઇસરો (ISRO) ના વૈજ્ઞાનિક ડૉ. પરેશ સરવૈયા તેમજ નાસા (NASA) ના યુવા વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહના કમળ હસ્તે પ્રદાન કરવામાં આવ્યો હતો. મીરા વૈષ્ણવે STEM, ચિલ્ડ્રન ઇનોવેશન ફેર, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને NCSC સહિતની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:32 AM IST)