તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 12th September 2026
અમરેલીમાં બુટલેગરોનો સન્નાટો બોલાવી દેતો નુસખો: દર્દીના નામે એમ્બ્યુલન્સમાં ચાલતી દારૂની હેરાફેરીનો બાબરા પોલીસે કર્યો પર્દાફાશ, ચોરખાનું જોઈ અધિકારીઓ પણ ચકરાવે ચડ્યા
રાજકોટ-ભાવનગર હાઈવે પર નાકાબંધી કરીને રૂ. ૩.૫૬ લાખનો વિદેશી દારૂ પકડાયો: ગોંડલના ચાલક સામે ગુનો નોંધી રૂ. ૧૦.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

અમરેલી : ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા અને ચોંકાવનારા નુસખા અપનાવીને દારૂ ઘુસાડવાનો સતત પ્રયાસ કરતા હોય છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં આવો જ એક હેરતઅંગ્રેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દર્દીઓની જિંદગી બચાવવા માટે વપરાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદેશી દારૂની હેરાફેરી માટે થઈ રહ્યો હતો. બાબરા પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-ભાવનગર હાઈવે પર દરોડો પાડીને એમ્બ્યુલન્સના ગુપ્ત ચોરખાનામાંથી રૂ. ૩.૫૬ લાખથી વધુની કિંમતનો ૧૯૬૮ બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને સમગ્ર રેકેટ ખુલ્લું પાડ્યું છે.
બાબરા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ખાનગી એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર કરવામાં આવી રહ્યો છે. બાતમી મળતા જ પોલીસે આંબલીધાર વટીને ઊંટવડ તરફ જતા માર્ગ પર તાબડતોબ નાકાબંધી ગોઠવી હતી. થોડી જ વારમાં બાતમી મુજબની એમ્બ્યુલન્સ આવતા પોલીસે તેને રોકી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ આ એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને જતી હોય તેવો જ ભાસ થતો હતો. પરંતુ પોલીસે જ્યારે એમ્બ્યુલન્સની અંદર બારીકાઈથી તલાશી લીધી ત્યારે તેમાં ખાસ રીતે તૈયાર કરાયેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનું ખોલતાં જ અંદર દારૂનું બોક્સ જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. એમ્બ્યુલન્સમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ ૧૯૬૮ બોટલો મળી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી જ એમ્બ્યુલન્સ ચાલક સાગર ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (ઉં.વ. ૩૪, રહે. ગોંડલ) ની તાત્કાલિક અટકાયત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, એમ્બ્યુલન્સ અને મોબાઈલ મળીને કુલ રૂ. ૧૦.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્કમાં ગોંડલ કે અમરેલીના કયા મોટા બુટલેગરો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
