News of Friday, 27th November 2026
કચ્છના ગાંધીધામમાં ટ્રેલરમાંથી ૩૪.૪૧ ગ્રામ હેરોઈન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો
પૂર્વ કચ્છ SOGની કાર્યવાહી : રૂ. ૨૬.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત, મોબાઈલ અને ટ્રેલર પણ કબજે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલી રહેલી ‘નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન’ અંતર્ગત SOG ગાંધીધામની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ટ્રેલર વાહનમાંથી ૩૪.૪૧ ગ્રામ હેરોઈનના જથ્થા સાથે પંજાબના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે હેરોઈન, મોબાઈલ ફોન અને ટ્રેલર સહિત કુલ રૂ. ૨૬,૯૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામ SOGની ટીમને બાતમી મળી હતી કે ગાંધીધામ ઝોનથી શિવમંદિર તરફ જતા સર્વિસ રોડ પર એક ટ્રેલર વાહનમાં નશીલા પદાર્થનો જથ્થો છે. જેના આધારે પોલીસે ટ્રેલર રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ટ્રેલરમાંથી ૩૪.૪૧ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૬,૮૮,૨૦૦ આંકવામાં આવી છે.
આ મામલે પોલીસે પંજાબના અમૃતસર જિલ્લાના અજનાળા તાલુકાના હરસે છીના ગામના રહેવાસી રેશમસિંઘ ચીમાસિંઘ (ઉં.વ. ૩૩)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પંજાબના ભઠિંડા જિલ્લાના બલોહ ગામના રહેવાસી લખનવિંદરસિંઘ ઉર્ફે લખો પાલસિંઘનું નામ પણ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે હેરોઈનના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રેલર વાહન સહિત કુલ રૂ. ૨૬,૯૩,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે નશાના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પોલીસ તપાસ તેજ બનાવે તેવી શક્યતા છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
