તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 29th September 2026
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ માટે ગૌરવની ક્ષણ, રાષ્ટ્રીય કક્ષાનું બે દિવસીય NABH નિરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન : દેશની ગણતરીની 10-12 માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં જામનગરનો સમાવેશ
NABH ના એસેસર ડો. રાજકુમાર અને ડો. વર્ષા યાદવે દર્દીની સલામતી, ચેપ નિયંત્રણ, ઈમરજન્સી સેવા અને સ્વચ્છતા સહિતની તમામ વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરીને ડીન ડો. નયના પટેલના નેતૃત્વમાં થયેલી તૈયારીઓને બિરદાવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : જામનગર સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે હોસ્પિટલની ગુણવત્તા, દર્દીઓની સલામતી અને આરોગ્ય સેવાઓના રાષ્ટ્રીય ધોરણોની ચકાસણી અર્થે NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ) દ્વારા બે દિવસીય સઘન નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં NABH માન્યતા ધરાવતી આશરે 10 થી 12 ડેન્ટલ હોસ્પિટલોમાં જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ સ્થાન ધરાવે છે, જે જામનગર સહિત સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત છે. NABH એ દેશની આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત આરોગ્યસેવા સુનિશ્ચિત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરના ધોરણો નક્કી કરતી સર્વોચ્ચ સંસ્થા છે.
બે દિવસ દરમિયાન NABH ના નિયુક્ત એસેસર ડો. રાજકુમાર તથા ડો. વર્ષા યાદવ દ્વારા હોસ્પિટલની તમામ સેવાઓનું વિગતવાર અને સર્વગ્રાહી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓની સારવાર અને સંભાળ, દર્દી સલામતી, ચેપ નિયંત્રણ (Infection Control), દવાઓની વ્યવસ્થા, તબીબી રેકોર્ડ જાળવણી, ઈમરજન્સી સેવાઓ, સ્વચ્છતા, અગ્નિ સલામતી, માળખાકીય સુવિધાઓ તેમજ વિવિધ વિભાગોમાં અમલી પ્રક્રિયાઓની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી.
નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, અદ્યતન સ્વચ્છતા, સુવ્યવસ્થિત વ્યવસ્થાપન અને કર્મચારીઓની કામગીરી જોઈ બંને એસેસરોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલની ભરપૂર પ્રશંસા કરી હતી, સાથે જ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. નયના પટેલના સીધા માર્ગદર્શન હેઠળ NABH માન્યતા માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી. હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ તથા વહીવટી કર્મચારીઓ દ્વારા દસ્તાવેજીકરણ, રેકોર્ડ જાળવણી અને પ્રોટોકોલ્સના કડક પાલન માટે દિવસ-રાત સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જાહેર જનતા માટે NABH માન્યતાનો સીધો અર્થ એ છે કે હોસ્પિટલમાં દર્દીની સલામતી, સારવારની ઉચ્ચ ગુણવત્તા, સ્વચ્છતા, ચેપ નિયંત્રણ અને પારદર્શક દસ્તાવેજીકરણ જેવા રાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ ધોરણોનું પાલન થાય છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
