News of Wednesday, 29th April 2026
ઢસામાં નવી જી.આઈ.ડી.સી. સ્થાપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરાઈ રજૂઆત : ઉદ્યોગ સાહસિકોના વિકાસ માટે જગ્યા ફાળવવા ઉઠી માંગ
સાળંગપુર ખાતે ‘પ્રબુદ્ધ નાગરિક સંવાદ’ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી. પ્રમુખ બી.એલ. રાજપરાએ ઢસા વિસ્તારમાં ૧૯૮૧ની નાની વસાહતના બદલે નવી અને આધુનિક સુવિધાયુક્ત જી.આઈ.ડી.સી. ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા પ્રશ્નો

ઢસા: તા. ૨૯-૦૪-૨૦૨૬ : બોટાદ જિલ્લાના સાળંગપુર મુકામે તાજેતરમાં ‘પ્રબુદ્ધ નાગરિક સંવાદ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય શંભુનાથ ટુંડયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સંવાદ દરમિયાન ઢસાના અગ્રણી અને જી.આઈ.ડી.સી.ના પ્રમુખ બી.એલ. રાજપરાએ ઢસા ગામ અને આસપાસના વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નવી જી.આઈ.ડી.સી. ફાળવવાની મહત્વની રજૂઆત કરી હતી.
ઔદ્યોગિક હબ હોવા છતાં જગ્યાનો અભાવ:
રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ઢસા વિસ્તાર ઔદ્યોગિક અને વ્યાપારિક દ્રષ્ટિએ અત્યંત વિકસિત છે અને આજુબાજુના અનેક ગામો માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે. આ વિસ્તારમાં હાલમાં અંદાજિત ૧૦૦થી વધુ જીનિંગ ફેક્ટરીઓ, કોટન અને સિંગતેલની ઓઈલ મિલો, સ્પીનિંગ મિલો તેમજ વિવિધ પ્રકારના ધંધા-રોજગાર ધમધમી રહ્યા છે. બોટાદ જિલ્લાનું આ છેવાડાનું ગામ હોવા છતાં મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે. જોકે, ઢસા ગામમાં સને ૧૯૮૧માં માત્ર ૯૧૦૨ ચોરસ મીટર જેટલી નાની જગ્યામાં જી.આઈ.ડી.સી. બનાવવામાં આવી હતી, જે હવે ઉદ્યોગોના વ્યાપ સામે અત્યંત નાની પડી રહી છે.
નવી જી.આઈ.ડી.સી.થી રોજગારી અને ઉદ્યોગો વધશે:
બી.એલ. રાજપરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા નવી જી.આઈ.ડી.સી. માટે પૂરતી જગ્યા ફાળવવામાં આવે તો નવા ઉદ્યોગ સાહસિકો વિવિધ પ્રકારના નવા ઉદ્યોગો સ્થાપી શકે તેમ છે. ઢસા ખાતે રેલ્વે, સ્ટેટ હાઈ-વે અને વિદ્યુત બોર્ડનું મોટું મથક હોવા ઉપરાંત બેંકિંગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આવી સાનુકૂળ પરિસ્થિતિમાં નવી જગ્યા મળવાથી ઉદ્યોગ સાહસિકોને સફળતા મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીના નવા દ્વાર ખુલશે. આ રજૂઆતને મુખ્યમંત્રી અને ઉપસ્થિત મંત્રીઓએ ગંભીરતાથી સાંભળી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
