તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ભાણવડના હાથલામા પ્લાસ્ટિકનો કચરો વીણતા ગરીબ યુવકને ઢોર માર માર્યો
ચોર સમજીને બે વ્યક્તિઓએ લાકડાના ધોકા વડે બેરહમીપૂર્વક માર માર્યા બાદ પોલીસને સોંપી દીધો દીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે અમાનવીય ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક ગરીબ યુવકને ચોર સમજીને બે વ્યક્તિઓએ લાકડાના ધોકા વડે બેરહમીપૂર્વક માર માર્યો હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભોગ બનનાર યુવક ગરીબ પરિવારનો છે અને કચરો વીણીને પરિવારનું ભરણપોષણ કરે છે. તેને ચોરી કરતો હોવાની શંકાએ બે શખ્સોએ પકડીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે વ્યક્તિઓ યુવકને લાકડીથી મારતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે વાયરલ વીડિયોના આધારે ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓની ઓળખ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે. ગરીબ અને નિર્દોષ લોકો સાથે આવું અમાનવીય વર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
