News of Wednesday, 29th April 2026
રાજકોટથી રોજીરોટી માટે આવેલા દેવીપૂજક ગરીબ પરિવાર પર આભ તૂટી પડયું
દ્વારકાના વરવાળા ઉર્ષમા દુર્ઘટનાઃ કૂવામાં પડવાથી ૨ બાળકોના મોતઃ ૧ ગંભીર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૯: વરવાળા ગામ પાસે અબા બાપુ પીરના ઉર્સ મેળામાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. રોજીરોટી કમાવા માટે રાજકોટથી આવેલા દેવીપુજક ગરીબ પરિવારના ત્રણ બાળકો મેળા નજીકના કૂવામાં પડી જતાં બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટનો ગરીબ પરિવાર ઉર્સના મેળામાં કામ-ધંધા અર્થે આવ્યો હતો. દરમિયાન ત્રણ બાળકો રમતા રમતા નજીકના કૂવા પાસે પહોંચી ગયા હતા અને અકસ્માતે કૂવામાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ બે બાળકોને બચાવી શકાયા ન હતા.
રોજી કમાવા આવેલા પરિવાર પર આભ તૂટી પડતા મેળામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્રણમાંથી બે બાળકોના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં દુઃખની લાગણી પ્રસરી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા ત્રીજા બાળકની તબિયત પર તબીબો નજર રાખી રહ્યા છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
