તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
અંજારના ગંગાનાકા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા
મૃતક મુસ્તાક મન્સૂરી પેટ્રોલ પંપ પાસે બેઠો હતો, ત્યારે અચાનક એક અજાણ્યા શખ્શે હિંસક હુમલો કર્યો:ગળા અને પેટના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા

કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ગંગાનાકા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર આજે એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક જેનું નામ મુસ્તાક મન્સુરી હોવાનું સામે આવ્યું છે, તે જ્યારે પેટ્રોલ પંપ પાસે બેઠો હતો, ત્યારે અચાનક એક અજાણ્યો શખ્સ ત્યાં આવી ચડ્યો હતો અને હિંસક હુમલો કર્યો હતો.
હત્યારો એટલા ઉગ્ર ઈરાદા સાથે આવ્યો હતો કે તેણે મુસ્તાક મન્સુરીને કંઈ પણ સમજવાની તક આપ્યા વગર તેના ગળા અને પેટના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે મુસ્તાક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટનાને અંજામ આપી હુમલાખોર પલકવારમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતક યુવક ડ્રાઈવિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ઘટનાની જાણ થતા જ અંજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જાહેર સ્થળે થયેલી આ હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે પેટ્રોલ પંપ પર લાગેલા CCTV ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે જેથી હત્યારાની ઓળખ કરી શકાય. આ હત્યા જૂની અદાવતમાં થઈ છે કે અન્ય કોઈ અંગત કારણોસર, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
