<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

મોરબીમાં પાળેલા કબૂતરને વિજ તાર પરથી પકડતી વખતે કરંટ લાગ્‍યોઃ ૧૨ વર્ષના કરન દેગામાનું મોત

શરીરે દાઝી જતાં અને થાંભલેથી પટકાતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૪: બાળકો ઘણીવાર રમત-રમતમાં મુશીબત નોતરી લેતાં હોય છે. આવી જ એક ઘટના મોરબીમાં બની છે. જેમાં પાળેલા કબૂતર વિજ તાર ઉપર બેસી ગયા હોઇ બાર વર્ષનો ટેણીયો આ કબૂતરને ઉતારવા માટે થાંભલા પર ચડતાં ભુલથી તારને હાથ અડી જતાં વિજકરંટ લાગતાં મોઢા-શરીરે દાઝી જતાં  અને નીચે પટકાતાં તેનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં વાવડી રોડ પર લાભશુભ સોસાયટીમાં ગોકુલ પાર્ટી પ્‍લોટ સામે રહેતો કરન ઉર્ફે કાલો દિનેશભાઇ દેગામા (ઉ.વ.૧૨) ગત સાંજે સાડા છએક વાગ્‍યે ઘર નજીક પોતાના કબુતર ઉડાડતો હતો ત્‍યારે બે પાળેલા કબૂતર વિજ તાર પર બેસી ગયા હોઇ અને નીચે આવતાં ન હોઇ જેથી કરન આ કબૂતરને પકડવા થાંભલા ઉપર ચડયો હતો. કબૂતર પકડવા જતાં તે ઉડી ગયા હતાં અને કરનના હાથ વિજ તારને અડી જતાં જોરદાર કરંટ લાગતાં દાઝી ગયો હતો અને નીચે પટકાયો હતો.

ગંભીર હાલતમાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ  તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. કરન ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. અગાઉ તે બાબરા રહી ભણતો હતો. હાલ અભ્‍યાસ છોડી દીધો હતો. 

(11:34 AM IST)