<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ભાવનગરમાં સરકારી શાળાઓમાં ફાયર સેફટીના કામના બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડેપ્‍યુટી ફાયર ઓફિસર સહિત બે ઝડપાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧: ફરિયાદીએ ભાવનગર જિલ્‍લાની ૭૯ જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો ઇન્‍સ્‍ટોલ કરવાનો પેટા કોન્‍ટ્રાક્‍ટ લીધો હતો. આ કામ પૂર્ણ કર્યા બાદ ફાયર સેફટી પ્‍લાન એપ્રુવલ અને ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે તેમણે ઓનલાઇન અરજીઓ કરી હતી. આ કામના મંજૂરીના બદલામાં ડેપ્‍યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલે કુલ રૂ. ૫ લાખની લાંચની માંગણી કરી હતી.

જેમાં અગાઉ રૂ. ૫૦,૦૦૦ આરોપી પ્રકાશ ચૌહાણ મારફતે ચૂકવી દેવાયા હતા. બાકીના રૂ. ૪.૫૦ લાખની માંગણી ચાલુ રહેતા, ફરિયાદીએ બાકી રકમ પેટે રૂ. ૨ લાખ ચૂકવવાનો વાયદો કર્યો હતો, પરંતુ તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી આ અંગે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે આણંદ એ.સી.બી.ના પી.આઈ. આર.એન. વિરાણી અને તેમની ટીમે આજે ભાવનગરના સર ટી. હોસ્‍પિટલના ગેટ નંબર-૨ પાસે છટકું ગોઠવ્‍યું હતું. જ્‍યાં ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. ૨ લાખ સ્‍વીકારતા પ્રકાશ ચૌહાણને એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ડેપ્‍યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલ પણ પોતાની કચેરીએ હાજર મળી આવ્‍યા હતા.એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં મદદનીશ નિયામક એમ.એચ. પુવારના માર્ગદર્શન હેઠળ એ.સી.બી.ની ટીમે મહત્‍વની કામગીરી કરી હતી.

(10:53 AM IST)