<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

એસિડ પીવાથી જઠર અને આંતરડાનો રસ્તો બંધ થતાં ગંભીર બનેલા દર્દીનું ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન : સુરતમાં ૨૧ લાખનો ખર્ચ દર્શાવાયો હતો

MS ડૉ. બિનોય પટેલ અને અનેસ્થેટિક ડૉ. અંકિતા મેરુલિયા (પટેલ) ની ટીમે સફળતાપૂર્વક ‘ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી એન્ડ જેજુનોજેજુનોસ્ટોમી’ સર્જરી કરીને દર્દીને નવજીવન આપ્યું

ટીંબી (જિ. ભાવનગર): અકસ્માતે કે ભૂલથી એસિડ પી જવાના કારણે જઠર અને નાના આંતરડા વચ્ચેનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જતાં અત્યંત ગંભીર સ્થિતિમાં મુકાયેલા એક દર્દીનું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી સ્થિત ‘સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ ખાતે સફળતાપૂર્વક તદ્દન વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે.

આ ગંભીર બીમારીથી પીડાતા દર્દીને અગાઉ સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આ જટિલ ઓપરેશન માટે અંદાજે રૂ. ૨૧ લાખ જેટલો માતબર ખર્ચ થશે તેવું જણાવવામાં આવ્યું હતું. આટલો મોટો ખર્ચ વહન કરવામાં અસમર્થ એવા દર્દી અને તેમના પરિવારે ત્યારબાદ ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો.
હોસ્પિટલના સર્જિકલ વિભાગના નિષ્ણાંત MS ડૉ. બિનોય પટેલ તેમજ અનેસ્થેટિક ડૉ. અંકિતા મેરુલિયા (પટેલ) દ્વારા તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આ અત્યંત જટિલ ગણાતું ‘ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી એન્ડ જેજુનોજેજુનોસ્ટોમી’ (Gastrojejunostomy & Jejunojejunostomy) ઓપરેશન એક પણ રૂપિયાના ખર્ચ વિના તદ્દન ફ્રીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન થિયેટર (OT) ટીમમાં ડૉ. કૃણાલ ત્રિવેદી, ચિંતન પંડ્યા, મીનીબેન નૈયર અને કલ્પેશ સક્રિય સભ્ય તરીકે જોડાયા હતા.

હોસ્પિટલના પ્રણેતા પૂજ્યપાદ સદગુરુદેવશ્રીની કૃપા અને તબીબોની કુશળતાના પરિણામે આ જટિલ સર્જરી બાદ દર્દી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી આવી જટિલ સર્જરી નિઃશુલ્ક કરી આપી હોસ્પિટલે માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:15 PM IST)