હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાંકાનેર-ચોટીલા પંથકના શ્રવણબાધિત ૧૫૫ દર્દીઓના જીવનમાં સંભળાવાનો નવો સૂર!
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને યુકેની ડિ મોન્ટ ફોર્ટ યુનિવર્સિટીનો અનોખો સેવાયજ્ઞઃ રૂ.૨.૨૫ કરોડથી વધુ કિંમતનાં આયાતી હિયરિંગ એઇડનું વિનામૂલ્યે વિતરણ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૩૧: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર અને યુકેની ડિ મોન્ટ ફોર્ટ યુનિવર્સિટી, લિસેસ્ટરના ઓડિયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રવણ ક્ષતિ ધરાવતા દર્દીઓ માટે છેલ્લા દસ વર્ષથી ચલાવવામાં આવતું વિનામૂલ્યે હિયરિંગ એઇડ કેમ્પનું સેવાકીય અભિયાન આ વર્ષે દસમા વર્ષમાં પ્રવેશતાં વિશેષ ઉજવણી સ્વરૂપે યોજાયું હતું. ત્રણ દિવસના કેમ્પ દરમિયાન કુલ ૧૬૯ દર્દીઓની કાનની નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૫૫ દર્દીઓને રૂ. ૩.૨૫ કરોડથી વધુ કિંમતનાં આધુનિક આયાતી હિયરિંગ એઇડ (કાનનાં મશીનો) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યાં હતાં.
વર્ષ ૨૦૧૬ થી વાંકાનેર તથા આસપાસના વિસ્તારોમાં શ્રવણ ક્ષતિ ધરાવતા જરૂરિયાતમંદ દર્દીઓને સાંભળવાની ક્ષમતા સુધારવામાં મદદરૂપ થવાના હેતુથી આ સેવાકીય પ્રવળત્તિ હાથ ધરવામાં આવી રહી છે. યુકેની કરન્સી મુજબ ૧૧૦૦ થી ૨૦૦૦ પાઉન્ડની કિંમત ધરાવતાં આ હિયરિંગ એઇડની ભારતીય બજાર કિંમત અંદાજે દોઢ થી અઢી લાખ સુધી થાય છે. આટલી ઊંચી કિંમતનાં મશીનો દર્દીઓને કોઈપણ પ્રકારના ચાર્જ વિના ઉપલબ્ધ કરાવી ટ્રસ્ટ દ્વારા માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
કેમ્પના પ્રથમ દિવસે તા. ૨૭ ના વાંકાનેર ખાતે દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુ સમાજ)માં આયોજન કરવામાં આવ્યું હતું. દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્થાપક ડો. ભાનુબેન મહેતા, ડિ મોન્ટ ફોર્ટ યુનિવર્સિટીના ઓડિયોલોજી વિભાગનાં સિનિયર પ્રોફેસર વેન્ડી મેડમ, પ્રોફેસર પોલ તથા ઝહીરાબેનના હસ્તે કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે વાંકાનેર વિસ્તારના ૫૫ થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.ત્યારબાદ તા. ૨૮ અને ૨૯ ના રોજ ચોટીલા ખાતે કેમ્પ યોજાયો હતો. અહીં ૧૧૦ થી વધુ દર્દીઓની કાનની નિષ્ણાત તપાસ કરવામાં આવી હતી.
ખાસ કરીને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટસિંહ રહેવર (મામા), ચોટીલા ડુંગરના મહંત જગદીશગીરીબાપુ તેમજ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો રમેશભાઈ ખીસડીયા અને ગોરધનભાઈ બલદાણીયાએ દર્દીઓને કેમ્પ સુધી પહોંચાડવા, યોજનાની જાણકારી આપવા અને આયોજનને સફળ બનાવવા ભૂમિકા ભજવી હતી.
બે દિવસ સુધી કેમ્પમાં મામા ની સ્કૂલનો સ્ટાફગણ સતત ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા. અને અનુવાદક તરીકે સેવા આપી વિદેશી નિષ્ણાતો અને દર્દીઓ વચ્ચે સંવાદ તથા તપાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
કેમ્પ દરમિયાન ૮૪ વર્ષની વયે પણ સેવાકાર્યોમાં સતત સક્રિય રહેલાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્થાપક ડો. ભાનુબેન મહેતાને દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી સમાજસેવાની તેમની ભાવનાને ઉપસ્થિત મહંતોએ બિરદાવી હતી.
ત્રણ દિવસ સુધી ચાલેલા આ સેવાયજ્ઞમાં કુલ ૧૫૫ દર્દીઓને મોંઘાં આયાતી હિયરિંગ એઇડનું નિઃશુલ્ક વિતરણ એ માત્ર આર્થિક સહાય પૂરતું કાર્ય નથી, પરંતુ શ્રવણ ક્ષતિ ધરાવતા લોકોના જીવનમાં સંવાદ, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણની નવી તક ઊભી કરતું ઉમદા કાર્ય છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજર ધવલભાઈ કંસારા, ટ્રસ્ટના સ્ટાફ તથા અન્ય સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. દસ વર્ષથી અવિરત ચાલી રહેલી આ સેવાપ્રવળત્તિને આગામી વર્ષોમાં પણ વધુ વ્યાપક સ્વરૂપે ચાલુ રાખવાનો સંકલ્પ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.( તસવીરઃ હેમલ શાહ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
