તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 11th September 2026
કચ્છ યુનિવર્સિટીના રસાયણ વિભાગની નવી પહેલ: ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન અભિગમ કેળવવાનો પ્રયાસ
કચ્છની સ્થાનિક સમસ્યાઓ, જમીનની કઠિનતા અને કોપર પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર સંશોધન કરી તેના વૈજ્ઞાનિક અને ટકાઉ ઉકેલો શોધવા માટે વિદ્યાર્થીઓને આહ્વાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રસ, વૈજ્ઞાનિક અભિગમ અને રજૂઆતની કુશળતા વિકસે તે હેતુથી ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ કરવામાં આવેલા સંશોધનકાર્યનો અભ્યાસ કરી વર્તમાન વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર ઓરલ તથા પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. આ માધ્યમથી વિદ્યાર્થીઓને અગાઉ થયેલા સંશોધનમાંથી નવી માહિતી અને સંશોધનના વિચારો મેળવવાની તક મળી હતી.એમ.એસસી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ગાયના મૂત્રમાંથી યુરિયાનું નિષ્કર્ષણ, ટ્રાયાઝોલનું સંશ્લેષણ, પૂર્વ કચ્છની જમીન અને પાણી પર ઔદ્યોગિક વિકાસની અસર, β-lactam antibiotics, કૃષિ કચરાથી પાણી શુદ્ધિકરણ, seaweed આધારિત bioplastic, microplastic pollution તથા પ્લાસ્ટિક કચરાને મૂલ્યવાન સંસાધનમાં રૂપાંતરિત કરવા જેવા વિષયો પર રજૂઆતો કરી હતી. જ્યારે એમ.એસસી. દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ખાતર, કૃષિમાં ટકાઉ રસાયણશાસ્ત્ર અને પપૈયાના છોડમાં રહેલા phytochemicals જેવા વિષયો રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓની રજૂઆતોનું મૂલ્યાંકન ડૉ. વિજય રામ, વડા, રસાયણશાસ્ત્ર વિભાગ તથા ડીન, વિજ્ઞાન વિદ્યાશાખા; ડૉ. લખન ચોપડા, આસોસીએટ પ્રોફેસર અને ડૉ. મલય ભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન બાદ પ્રશ્નોત્તરી યોજાઈ હતી અને નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ, વિષયની સમજ, નવીનતા તથા રજૂઆત અંગે રચનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડૉ. વિજય રામે વિદ્યાર્થીઓના નવીન વિચારોની પ્રશંસા કરી તેમને પ્રયોગશાળામાં પોતાના વિચારો પર વધુ પ્રાયોગિક કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કચ્છની સ્થાનિક સમસ્યાઓ, જમીનની કઠિનતા અને કોપર પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર સંશોધન કરી તેના વૈજ્ઞાનિક અને ટકાઉ ઉકેલો શોધવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. નાળિયેર પાણી, શેરડીનો રસ, માઇક્રોપ્લાસ્ટિક અને સ્થાનિક સંસાધનો જેવા વિષયો પર પણ સંશોધનની સંભાવનાઓ અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની પરિકલ્પના અને આયોજનમાં ડૉ. મલય ભટ્ટ, ડૉ. લખન ચોપડા અને જીગર સોલંકીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓમાં સંશોધન, વૈજ્ઞાનિક વિચારસરણી અને આત્મવિશ્વાસપૂર્વક રજૂઆત કરવાની કુશળતા વિકસાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સફળ રહ્યો હતો.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
