<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

કચ્છમાં દિવ્યાંગજનોને આત્મનિર્ભરતાની નવી આશા: આધુનિક કૃત્રિમ હાથ-પગ માટેનો કેમ્પ યોજાયો

સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી આયોજન, આ કેમ્પમાં પ્રોસ્થેટિક લિમ્બ્સ, મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર માટે લાભાર્થીઓનો સર્વે કરાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ :  દિવ્યાંગજનોના જીવનમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી આશા જગાવવાના ઉમદા હેતુ સાથે ભુજ ખાતે નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ નિદાન કેમ્પ યોજાયો હતો. મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, ધોલેરાધામના પાવન અવસરે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા નિયામક સમાજ સુરક્ષાની જિલ્લા કચેરી, કચ્છ-ભુજ દ્વારા કચ્છ સર્વગ્રાહી પુનર્વસન કેન્દ્ર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ALIMCOના સહયોગથી યોજાયેલા આ વિશેષ કેમ્પમાં નિષ્ણાતોએ દિવ્યાંગજનોનું નિદાન કરી આધુનિક 3D પ્રિન્ટેડ કૃત્રિમ હાથ-પગ (પ્રોસ્થેટિક લિમ્બ્સ), મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર માટે પાત્ર લાભાર્થીઓનું એસેસમેન્ટ કર્યું હતું. આ સાધનો આગામી સમયમાં ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ કેમ્પમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને નાયબ નિયામક દશરથભાઈ દેસાઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હિતેન્દ્ર અમીધર તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરિયા સહિત અન્ય સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કેમ્પની વ્યવસ્થા કચ્છ સર્વગ્રાહી પુનર્વસન કેન્દ્રના અરવિંદસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી. સંસ્થા દ્વારા ઉપસ્થિત દિવ્યાંગજનો માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આ સેવાભાવી પ્રયાસથી કચ્છ જિલ્લાના દિવ્યાંગજનોને આધુનિક સહાયક સાધનો થકી વધુ સ્વતંત્ર, સન્માનભેર અને આત્મનિર્ભર જીવન જીવવાની નવી તક મળશે.

(9:27 AM IST)