<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

રફાળેશ્વર મગફળી ગોડાઉન અગ્નિકાંડમાં અનેક રહસ્યો વચ્ચે લટકતી શંકાની સોય : લાઈટ કનેક્શન ન હતું અને હવા પણ ન જઈ શકે તેમ પેક હતું, છતાં આગ કઈ રીતે લાગી?

તંત્રની ઢીલી નીતિ અને ગંભીર લાપરવાહીથી ૪૦ કરોડથી વધુની મગફળી બળીને ખાખ : સમયસર જેસીબી-લોડર મળ્યા હોત કે દીવાલ તોડી ગેપ કરાયો હોત તો અડધો જથ્થો બચી ગયો હોત : ગોડાઉનનું સીલ તૂટવાની ભીતિએ સ્થાનિકો પણ લાચાર બન્યા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીના રફાળેશ્વર નજીક એક બંધ સિરામિક ફેક્ટરીમાં કાર્યરત મગફળીના સરકારી ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ ભલે કાબુમાં આવી ગઈ હોય અને કૂલિંગ પ્રક્રિયા ચાલુ હોય, પરંતુ આ સમગ્ર દુર્ઘટના હવે મોટા વિવાદ અને શંકાના દાયરામાં આવી ગઈ છે. આ ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી, નિર્ણયશક્તિનો અભાવ અને અનેક રહસ્યમય બાબતો સામે આવતા સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો સમયસર યોગ્ય સાધનો અને ત્વરિત નિર્ણય લેનારા અધિકારીઓ હાજર હોત, તો કરોડો રૂપિયાનો મગફળીનો જથ્થો આસાનીથી બચાવી શકાયો હોત તેવી વિગતો ખુલી છે.

હવાની અવરજવર ન હતી અને લાઈટ પણ ન હતી, તો આગ કેમ લાગી?

આ અગ્નિકાંડમાં સૌથી મોટો સવાલ ગોડાઉનની ભૌગોલિક સ્થિતિને લઈને ઊભો થયો છે. આ ગોડાઉનમાં કુલ ૭ દરવાજા અને બારીઓ એવી રીતે સંપૂર્ણપણે બંધ અને સીલ હતા કે અંદર હવા પણ ન જઈ શકે. આ ઉપરાંત, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ આખી જગ્યા પર લાઈટનું કોઈ કનેક્શન પણ ન હતું. વાયરીંગ કે વીજળી જ ન હોવા છતાં આ બંધ ગોડાઉનની અંદર આટલી ભયાનક આગ કઈ રીતે ફાટી નીકળી, તે અત્યારે ભારે રહસ્ય સર્જી રહ્યું છે અને આ બાબત સીધી શંકાના દાયરામાં આવે છે.

જવાબદાર અધિકારીઓની ગેરહાજરી અને સીલ તૂટવાનો ડર નડ્યો

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શનિવારે ઘટના સમયે અને રવિવારે પણ સ્થળ પર કોઈ ત્વરિત કે નક્કર નિર્ણય લઈ શકે તેવા જવાબદાર ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી. જો આગ લાગી તે જ સમયે યોગ્ય નિર્ણય લઈને વચ્ચેની જગ્યાએથી દીવાલ તોડી પાડવામાં આવી હોત અને મગફળીની ગુણીઓ બહાર કાઢી હોત, તો આગને આગળ વધતી અટકાવી શકાત. પરંતુ દરવાજા પર સરકારી સીલ મારેલા હોવાથી અને સીલ તોડવા પર કાનૂની પ્રશ્નો ઊભા થવાની ભીતિ હોવાના કારણે સ્થાનિક લોકો કે ફાયરનો સ્ટાફ પણ લાચાર બન્યો હતો. કોઈએ સીલ તોડવાનું સાહસ ન કરતાં આગે આખા ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું.

૪૦ કરોડથી વધુનો જથ્થો ખાખ, મોડેથી પહોંચ્યા જેસીબી-લોડર

આ ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી અંદાજે ૧.૫૯ લાખ બોરી મગફળી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બળીને ખાખ થયેલા આ જથ્થાની કિંમત આશરે ૪૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. જો શરૂઆતમાં જ લોડર અને જેસીબીની વ્યવસ્થા થઈ ગઈ હોત, તો સળગતો જથ્થો અને સુરક્ષિત જથ્થો અલગ કરી શકાયો હોત. પરંતુ તંત્રના અણઘડ આયોજનના કારણે લોડર રવિવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. સવારથી જથ્થો બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે ખરી, પરંતુ બહાર નીકળતી મોટાભાગની મગફળી પલળેલી અને સળગી ગયેલી કોલસા જેવી હાલતમાં જોવા મળી રહી છે.

સાધનો અને પાણીના ટેન્કરો સમયસર ન મળ્યા: ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, તેમને શનિવારે બપોરે ૧:૪૦ વાગ્યે ફાયર કોલ મળ્યો હતો. તેઓએ પણ સ્વીકાર્યું હતું કે, જો ગઈકાલે જ સમયસર લોડર કે જેસીબી જેવી સુવિધાઓ મળી ગઈ હોત અને દીવાલ તોડીને વચ્ચે ગેપ પાડી દેવાયો હોત, તો મગફળીનો અડધોઅડધ જથ્થો ચોક્કસ બચાવી શકાયો હોત. યોગ્ય સમયે જરૂરી સાધનો અને પાણીના ટેન્કરો ન મળવાને કારણે આગ વધુ પ્રસરતી ગઈ હતી. હાલ લોડર વડે માલ બહાર કઢાઈ રહ્યો છે પરંતુ વિલંબને કારણે મોટું નુકસાન થઈ ચૂક્યું છે. તંત્રની આ ઢીલી નીતિ સામે ખેડૂતો અને જનતામાં ભારે રોષ વ્યાપી ગયો છે.

(9:56 PM IST)