તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં દુકાળ જાહેર થયાને મહિનો વીત્યો હજી અમલવારીનો પત્તો નથી!
અસરગ્રસ્તોનું સ્થળાંતર અટકાવવા રોજગારી, પશુઓ માટે ઘાસચારા-પાણી અને ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવા સહિતનાં માંગ, જિલ્લા પંચાયત સભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક અમલની માગ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : કચ્છમાં અપૂરતા વરસાદના પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગત તા. ૨૬ ઓક્ટોબરે કચ્છને ૧લી નવેમ્બરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, જાહેરાતને એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં દુષ્કાળથી અસરગ્રસ્ત લોકો માટે રાહતકાર્યો કે નક્કર વ્યવસ્થા શરૂ ન થતાં પશુપાલકો, ખેડૂતો અને શ્રમજીવી પરિવારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
આ અંગે જિલ્લા પંચાયતનાં સભ્ય નેહાબેન રૂપારેલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કચ્છમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે તાત્કાલિક રાહતરૂપ પગલાં અમલમાં મૂકવાની માગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે અછતના કારણે માલધારી વર્ગને પોતાનાં પશુધન માટે ઘાસચારો અને પાણી મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે માલધારીઓ પશુધન સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ, ખેડૂતો સિંચાઈની સુવિધાના અભાવે પોતાના ઊભા પાકને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રમજીવી પરિવારો માટે પણ રોજગારીની કોઈ નક્કર વ્યવસ્થા ન થતાં તેમની આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અબોલ પશુઓને બચાવવા વિવિધ સ્થળોએ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ આટલી મોટી સમસ્યાનો ઉકેલ માત્ર સંસ્થાઓના પ્રયાસોથી શક્ય નથી. સરકાર દ્વારા અછતની જાહેરાત બાદ તાત્કાલિક અમલની કાર્યવાહી થવી જરૂરી છે.
જિલ્લા પંચાયત સભ્યે મુખ્યમંત્રી સમક્ષ માગ કરી છે કે માત્ર બેઠકો અને સૂચનાઓ પૂરતી કામગીરી ન રહેતાં જમીની સ્તરે તેનો અમલ થાય તે જરૂરી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા, પશુધન માટે પૂરતો ઘાસચારો, કેટલ કેમ્પ શરૂ કરવા, સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા તેમજ શ્રમજીવી પરિવારોને રોજગારી મળી રહે તે માટે તાત્કાલિક આયોજન હાથ ધરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
