<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

અમરેલીના વડીયા પંથકમાં અરેરાટી :રખડતા શ્વાનોના ટોળાએ ૭ વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી ફાડી ખાતા કરુણ મોત

7 વર્ષનો માસૂમ દીકરો રોમિત જ્યારે ખેતરમાં એકલો હતો, ત્યારે અચાનક સીમ વિસ્તારમાં શિકારી બનેલા 4 થી 5 શ્વાનોનું ટોળું ત્યાં ધસી આવ્યું:હિંસક શ્વાનોએ માસૂમ પર આક્રમણ કરીને નિર્દયતાપૂર્વક ફાડી ખાધો

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાંથી એક અત્યંત કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. વડીયાના ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં રખડતા શ્વાનો એટલા હિંસક બન્યા છે કે તેમણે વધુ એક માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. ખેતરમાં રમી રહેલા શ્રમિક પરિવારના 7 વર્ષના દીકરા પર 4 થી 5 હિંસક શ્વાનોના ઝુંડે જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે.

મળતી વિગતો મુજબ, આ હૃદયદ્રાવક ઘટના વડીયા પંથકમાં આવેલા પ્રફુલભાઈ માવજીભાઈ બોરડના ખેતરમાં બની હતી. અહીં મગનભાઈ બારૈયા નામના ખેતમજૂર પરિવાર સાથે રહીને મજૂરીકામ કરે છે. તેમનો 7 વર્ષનો માસૂમ દીકરો રોમિત જ્યારે ખેતરમાં એકલો હતો, ત્યારે અચાનક સીમ વિસ્તારમાં શિકારી બનેલા 4 થી 5 શ્વાનોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. આ હિંસક શ્વાનોએ માસૂમ રોમિત પર આક્રમણ કરીને તેને નિર્દયતાપૂર્વક ફાડી ખાધો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

વડીયા પંથકમાં શ્વાનોનો ત્રાસ હવે હદ બહાર વધી ગયો છે. છેલ્લા 20 થી 25 દિવસની અંદર જ હિંસક શ્વાનો દ્વારા માસૂમ બાળકો પર હુમલો કરવાની આ ચોથી ઘટના છે. આ અગાઉ પણ શ્વાનોના હુમલાનો ભોગ બનેલા 1 બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આજે વધુ એક બાળકનો ભોગ લેવાયો છે. સતત બની રહેલી આવી લોહિયાળ ઘટનાઓને પગલે સીમ વિસ્તારના રહીશો અને નાના બાળકો ધરાવતા પરિવારો ફફડાટ હેઠળ જીવી રહ્યા છે. 

(11:01 PM IST)