તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગરમાં દિશા સમિતિની બેઠક યોજાઇઃ રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિ
જામનગર જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની દિશા સમિતિમાં વિસ્તૃત સમીક્ષા કરાઈ : અધિકારીઓને લોકકેન્દ્રિત અભિગમથી કામગીરી કરી લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સાંસદનુ સૂચન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮: સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા, પદાધિકારીશ્રીઓ, લોકપ્રતિનિધિશ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસકાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન રેલવે વિભાગ, ગ્રામ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયતી રાજ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આવાસ અને શહેરી બાબતો, જળ સંસાધન, પીવાના પાણી અને સ્વચ્છતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, પશુપાલન અને ડેરી વિકાસ, માર્ગ પરિવહન, વન વિભાગ, સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની કુલ ૧૦૧ જેટલી જનકલ્યાણકારી યોજનાઓની અમલીકરણ સ્થિતિ, ભૌતિક અને નાણાકીય પ્રગતિ, લાભાર્થીઓને મળતા લાભો તથા બાકી રહેલા પ્રશ્નોની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાઓની વર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ તેમજ આગામી કાર્યયોજનાની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
સાંસદ પૂનમબેન માડમે બેઠક દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી કે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે માટે વધુ અસરકારક કામગીરી કરવામાં આવે. તેમણે યોજનાઓના અમલીકરણમાં ગુણવત્તા જળવાય, બાકી રહેલા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને કામગીરીમાં વિભાગો વચ્ચે વધુ સારું સંકલન જળવાય તે માટે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમયમર્યાદામાં તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવે, તેમજ વિકાસકાર્યોમાં કોઈ પ્રકારની બેદરકારી ન રહે તેની ખાતરી કરવામાં આવે. લાભાર્થીઓને યોજનાઓની પૂરતી માહિતી મળે અને તેમને સરળતાથી લાભ મળી રહે તે માટે જનજાગૃતિ વધારવા પણ સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગોને કેન્દ્ર સરકારની યોજનાઓના વધુ અસરકારક અમલીકરણ દ્વારા જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે સંકલિત પ્રયાસો ચાલુ રાખવા તેમજ સાંસદશ્રી દ્વારા સૂચવવામાં આવેલા કામો હકારાત્મક દિશામાં પૂર્ણ કરવા લગત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, રાજકોટ એડીઆરએમ બ્રિજેશકુમાર સિઘ, ભાવનગર એસડીસીએમ અતુલકુમાર ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, જામનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર ડી.એ.ઝાલા,તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
