<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

સુરેન્દ્રનગરમાં જીમની આડમાં ચાલતું મોટું કૌભાંડ પર્દાફાશ; યુવતીઓની છેડતી અને વ્યાજખોરીના આરોપસર બે જીમ સીલ અને ચારની ધરપકડ

એડવોકેટ સંચાલિત જીમ ક્લબમાં યુવતીઓની પજવણી અને શંકાસ્પદ ગતિવિધિઓ મામલે પોલીસ, પીજીવીસીએલ અને મ્યુનિસિપલ ટીમોનું સંયુક્ત મેગા ઓપરેશન

સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર શહેરમાં મહિલાઓની પજવણી, છેડતી અને ગેરકાયદેસર વ્યાજ વટાવના ગંભીર આરોપો હેઠળ સિટી એ ડિવીઝન પોલીસ મથક દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકને મળેલી લેખિત ફરિયાદોના આધારે એડવોકેટ અમીન મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં જીમની આડમાં યુવતીઓને બદનામ કરવાની અનેક ચોંકાવનારી વિગતો સામે આવતા તંત્ર દ્વારા જીમ ક્લબ ૭૧ ની તમામ બ્રાન્ચો તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા મુખ્ય આરોપીના મોબાઈલ ફોનમાંથી શંકાસ્પદ ફોટા, વિડીયો તેમજ વ્યાજના હિસાબો મળી આવ્યા છે. આ કેસમાં કડક પગલાં લેતા પોલીસે અત્યાર સુધીમાં બે યુવતીઓ સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર એપીએસ અને પોલીસ વિભાગની વિવિધ ટીમો સાથે પીજીવીસીએલ અને મહાનગરપાલિકાની ટીમો પણ સંયુક્ત રીતે જોડાઈ હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસે જીમની અંદરથી સીસીટીવી ફૂટેજ કબજે કરી તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, તેમજ તપાસ દરમિયાન જીમમાંથી ૧૦૦થી વધુ ચેક મળી આવ્યા હોવાની પણ પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે જીમ સંચાલકને સિટી પોલીસ મથકે લાવીને જીમમાં ચાલતી ગેરરીતિઓ, ગેરવહીવટ અને અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે જેથી આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ચહેરાઓ પણ બહાર આવી શકે.

આ સમગ્ર મામલે ભૂતકાળમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વ્યાજખોરીની ફરિયાદો ઉઠતી રહી છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ મામલે કોઈ પણ બાંધછોડ વગર ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. આગામી સમયમાં સીસીટીવી ફૂટેજ, ફોન ડેટા અને જપ્ત કરાયેલા દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા બાદ આ કૌભાંડમાં હજુ અનેક મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.

(11:41 PM IST)