News of Thursday, 3rd September 2026
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કટારીયા ગામ નજીક કેમિકલ ચોરીનું મોટું રેકેટ ઝડપાયું : ૪૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત : ૫ સામે ગુનો
રેન્જ આઈજીની ટીમનો સપાટો : સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો : યુપી-બિહાર હોટલના પાર્કિંગમાં ચાલતું હતું નેટવર્ક : ૨ ની અટકાયત

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૩ : સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કટારીયા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કેમિકલ ચોરીના મોટા રેકેટનો રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીથી હાઈવે પર આવેલી હોટલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ભાંડો ફૂટ્યો છે, તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે પર આવેલી હોટલોમાં બેફામ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેના પગલે રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે હાઈવે પર આવેલી યુપી-બિહાર હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું કે, અહીં ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કરોમાં ભરેલા કીમતી અને અલગ-અલગ પ્રકારના કેમિકલની ચોરીનું નેટવર્ક ચાલતું હતું. છેલ્લા ઘણા સમયથી આ કાળો કારોબાર બેફામ રીતે ચાલતો હોવાનું સામે આવ્યું છે.
રેન્જ આઈજીની ટીમે સ્થળ પરથી કુલ રૂ. 45.29 લાખનો મુદ્દામાલ* જપ્ત કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 5 ઈસમો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપીઓ માજીદ વાહીદ અલી રહે. મલહુપુર, ઉત્તર પ્રદેશ, સાહિલ ફિરોજભાઈ મુલતાની રહે. સુરેન્દ્રનગર,ઈકબાલ ખાન,જયરાજસિંહ રાઠોડ રહે. ચુડા,જયવીરભાઈ કાઠી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કેસની વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે બે ઈસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ કાર્યવાહીથી હાઈવે પરની હોટલોમાં ચાલતા અન્ય ગેરકાયદેસર ધંધાઓ અંગે પણ ચકચાર મચી જવા પામી છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
